પોરબંદર, તા.17: પોરબંદર નજીકના કુછડી ગામે રહેતા યુગલને વિદેશ જવાની લાલચ આપી ટુકડા-મિયાણીના ઇસમ અને બખરલાની મહિલાએ રૂપિયા આઠ લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પોરબંદરના કુછડી ગામે મહેર સમાજ
પાસે રહેતા અને જે.સી.બી. ડ્રાયવિંગનો વ્યવસાય કરતા વિજય લાખણશી ઓડેદરા નામના 27 વર્ષના
યુવાને હાર્બર મરીન પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે, જેમાં
વિગત એવી છે કે યુગલે વર્ષા ઓડેદરા સાથે વિદેશ જવા બાબતે વાતચીત કરી હતી ત્યારબાદ વિજયભાઈ
અને હિરલબેન વિદેશ જવા કોશિશ કરી રહ્યા હતા. એક દિવસ વિજય ઓડેદરાનો હિરલના મોબાઇલમાં
વોટસએપ કોલ આવ્યો હતો અને એવુ કહ્યું હતું
કે ‘હું પોરબંદરના છાયાનો મૂળ રહેવાસી છું અને વર્ષોથી કેલીફોર્નીયામાં રહું છું ત્યાં
મારી મિલકત છે. મારે અમેરિકા માણસો લઇ જવાના છે. તમારે હાલ કોઇ ખર્ચ કરવાનો થતો નથી.’
તેમ કહેતા વિજયની વાતમાં પતિ-પત્ની ભોળવાઇ ગયા હતા અને ફરિયાદી વિજય લાખણશી ઓડેદરા
અને તેના પત્ની હિરલબેન બંનેને અમેરિકા લઇ જશે અને બન્નેના રૂપિયા પણ તે ભરી દેશે તેમ
જણાવ્યું હતુ. આથી અમેરિકા જવા માટે બન્ને પતિ-પત્નીએ હા પાડી હતી.
ત્યારબાદ પ્રાથમિક તૈયારીઓ કરાઈ
હતી. ગત સાતમ-આઠમના તહેવાર સમયે વિજયે ફોન કરીને ફરિયાદી વિજયને એવુ જણાવ્યું હતું
કે, ‘આપણે સાતમ-આઠમના તહેવાર પછી નીકળવાનું છે. તમે તૈયારી કરી રાખજો’ હિરલનો પાસપોર્ટ
પણ આવી ગયો હતો તેથી તે સમયે વિજયને રૂબરૂ મળ્યા ન હતા.
જન્માષ્ટમીના તહેવાર પૂર્ણ થતા
વિજયે ફોન કરીને ફરીયાદીને એવુ જણાવ્યુ હતુ કે ‘હું તમારા અમેરિકા જવા માટેના રૂપિયા
ભરું છું પણ મારા અમેરિકન ડોલર હજુ આવ્યા નથી. એટલે 15 લાખ જેટલા રૂપિયા ઘટે છે. માટે
એ રૂપિયા ભરવામાં મને મદદ કરો’ તેમ કહેતા ફરિયાદીએ તેને કહ્યુ હતુ કે, ‘અમારી પાસે
આટલા રૂપિયા નથી અને અમારે કેલીફોર્નીયા જવુ નથી.’
બીજા દિવસે વિજય ઓડેદરાનો ફોન
આવ્યો અને કહ્યું કે, ‘તમારાથી જેટલા રૂપિયાની સગવડ થાય એટલી કરી દો બાકીના રૂપિયાની
વ્યવસ્થા હું કરી લઇશ’ તેમ કહેતા ફરિયાદીએ તેના પરિવારજનો સાથે વાત કરી હતી. ત્યારબાદ
ફરિયાદીના પત્ની હિરલબેન, ભાભી સંધ્યાબેન અને માસી દેવીબેનના દાગીના તા. 20-8-2024ના
પોરબંદરમાં પુજારા મોબાઇલની પાછળ બજાજ ફાયનાન્સની ઓફિસે મિલન તેરૈયા પાસે ગીરવે રખાવ્યા
હતા. અને આ દાગીના બદલ મિલને આઠ લાખ રૂપિયા આર.ટી.જી.એસ. મારફતે ફરિયાદીના બેન્ક ખાતામાં
નાખ્યા હતા. એ જ દિવસે ફરિયાદીએ વિજયને ફોન કરતા તેણે એક પ્રતાપ કે. ઓડેદરા નામના બેન્ક
ખાતાના નંબર મોકલ્યા હતા.
ત્યારબાદ વિજયે ફરિયાદીના ફોન
ઉપાડવાનું બંધ કર્યુ હતું અને વર્ષાને ફોન કરતા તે પણ અલગ-અલગ બહાના બતાવવા લાગી હતી.
ત્યારબાદ ફરિયાદી વિજય લાખણશી ઓડેદરાએ પરબત
ઉર્ફે વિજય કાના ઓડેદરાને ફોન કરતા તે ખોટા બહાના બતાવવા લાગ્યો હતો. બંનેનો
કોન્ટેકટ નહી થતો હોવાથી અંતે હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે આવીને તે બંને વિરૂધ્ધ
પોલીસ ફરિયાદ નોંધાવી છે.