• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

મુખ્યમંત્રીનું ‘ઓપરેશન ગંગાજળ’ : ભાવનગર, મહેસાણાના 1-1 અધિકારીને સસ્પેન્ડ કરાયા

જમીન રેકર્ડ વિભાગની ગંભીર ફરિયાદો મળતા સીએમ ભુપેન્દ્ર પટેલે આકસ્મિક તપાસ કરાવી કાર્યવાહી કરી, ક્લાસ-2 કક્ષાના બે અધિકારી સસ્પેન્ડ

ગાંધીનગર, તા.6 : સરકારી તંત્રમાં અનિયમિતતા, ફરજમાં બેદરકારી અને નિયમોનાં ઉલ્લંઘન સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી ચાલુ રાખી છે. ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ મહેસાણા અને ભાવનગર જિલ્લાના મહેસૂલ વિભાગ સાથે જોડાયેલા વધુ બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીને ભાવનગર અને મહેસાણાની આ બન્ને ઓફિસ માટે ગંભીર ફરિયાદો મળી હતી. તેઓએ સિનિયર અધિકારી જયંતી રવિને સૂચના આપી આકસ્મિક તપાસ કરાવી હતી. ફરિયાદોમાં તથ્ય જણાતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

જમીન રેકર્ડ અને જમીન નોંધણી જેવી કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે સરકાર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. ભાવનગરમાં જિલ્લા નિરીક્ષક જમીન દફતર તરીકે ફરજ બજાવતા વર્ગ-2ના અધિકારી કે. એ. પંડયાને સસ્પેન્ડ કરીને હાલની ફરજમાંથી દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ, મહેસાણામાં અધિક્ષક જમીન દફતર તરીકે ફરજ બજાવતા વર્ગ-1ના અધિકારી બિકિશા પટેલ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.

‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત મહેસૂલ વિભાગની કામગીરીની ચકાસણી વધુ કડક બનાવવામાં આવી છે. જમીન, મિલકત અને નોંધણી સંબંધિત કામ સીધું નાગરિકો સાથે જોડાયેલું હોવાથી તેમાં નિયમોનું પાલન અને પારદર્શિતા રહે તે સરકારની પ્રાથમિકતા છે. બન્ને અધિકારીઓ સામે સસ્પેન્શન બાદ વિભાગીય કાર્યવાહી આગળ વધારવામાં આવશે. જોકે, હાલ ઉપલબ્ધ માહિતી પ્રમાણે બંને અધિકારીઓ સામેના ચોક્કસ આક્ષેપો અથવા કઈ ગેરરીતિના આધારે કાર્યવાહી કરવામાં આવી છે તેની સત્તાવાર વિગત જાહેર કરાઈ નથી. વિભાગીય તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

ઇ-પેપરના નવા શુલ્ક