• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

અમદાવાદમાં ડુપ્લિકેટ દવાનું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું

લખનઉમાં બ્રિજેશ પટેલ સામે ફરિયાદ થતાં જ ખુલ્યું અમદાવાદનું કનેક્શન !

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.6 : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માનવજીવન સાથે ચેડાં કરતું વધુ એક મોટા આંતરરાજ્ય ડુપ્લિકેટ દવાઓના રેકેટનો પર્દાફાશ થયો છે. લખનઉમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી ફેલાયેલા આ નકલી દવાના નેટવર્કમાં મુખ્ય સૂત્રધાર તરીકે બ્રિજેશ પટેલ અને તેની ‘ક્યોરપેથ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ’ કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

  આ શખ્સ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી વોલસ્ટ્રીટ-2 ટાવર સામે પોતાની ’કેર ફાર્મસી’ નામની રિટેલ ચેઇન સ્ટોર પણ ચલાવતો હતો. ઊંચા ડિસ્કાઉન્ટ અને લોભામણી જાહેરાતોની આડમાં બજારમાં ગ્રાહકોને અસલી દવાઓના નામે ઘાતક નકલી દવાઓ વેચવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા સમગ્ર ફાર્મા ક્ષેત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.

  ડિસ્ટ્રીબ્યુટર પાસે પહોંચેલા દવાના જથ્થાના બેચ નંબર અને બિલની ચકાસણી દરમિયાન શંકા ઊભી થઈ હતી. ત્યાર બાદ કંપની દ્વારા દવાની વિગતો અને બારકોડની તપાસ કરવામાં આવી હતી. બારકોડ મેચ ન થતાં દવા અંગે કંપનીને શંકા ગઈ અને આ જથ્થો નકલી હોવાની જાણ થઈ હોવાનું સામે આવ્યું છે. નકલી દવાના કેસમાં અસલી દવાના પાકિંગ, બેચ નંબર અને બારકોડની નકલ કરીને ડુપ્લિકેટ દવા બજારમાં પહોંચાડવાનો આક્ષેપ છે.

તપાસ એજન્સીઓ અને ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા આંતરરાજ્ય સ્તરે સક્રિય થયેલા આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ઊંચા નફાની લાલચમાં દર્દીઓના જીવનને જોખમમાં મૂકતી આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય સ્થાનિક દલાલો, ડિસ્ટ્રિબ્યુટરો અને મેડિકલ માફિયાઓની સંડોવણી અંગે પણ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે. ગુજરાત અને લખનઉ વચ્ચેના આ ડુપ્લિકેટ દવા કૌભાંડના તાર વધુ લાંબા હોવાથી આગામી દિવસોમાં મોટા પાયે દરોડા અને ધરપકડ થઈ શકે છે.

           

 

ઇ-પેપરના નવા શુલ્ક