• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

અમદાવાદમાં લોકગાયિકા કિંજલ રબારીના અપહરણથી ચકચાર

કિંજલ રબારીના અપહરણ બાદ વીડિયો આવ્યો સામે, અશોક ચૌધરીની પત્ની હોવાની પણ કરી સ્પષ્ટતા

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.6:  ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારી ફરી એકવાર ચર્ચામાં આવી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ પરથી કિંજલ રબારીના અપહરણ થયું હોવાની વિગતો સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આ મામલે કિંજલ રબારીના પરિવારજનો ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, પોલીસે અપહરણના દાવાને ફગાવી દીધો છે. નોંધનીય છે કે આ પહેલા કિંજલ રબારી પોતાના પ્રેમ લગ્નને કારણે ચર્ચામાં આવી હતી. તેણે આંતરજ્ઞાતિય લગ્ન કરતાં ભારે વિવાદ થયો હતો.

            મળતી માહિતી મુજબ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલથી કિંજલ રબારીના અપહરણની ચર્ચા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં સામે આવી હતી. દાવા મુજબ, કાળા રંગની કારમાં આશરે બપોરે 2 કલાકની આસપાસ કિંજલ રબારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત વહેતી થઈ હતી. કિંજલ રબારી અહીં પોતાના પતિની સાથે ફિલ્મ જોવા ગઈ હતી. ત્યારબાદ ચાંદખેડામાં આવેલા સીબીડી મોલની બહારથી તેનું કથિત અપહરણ થયાનું સામે આવ્યું છે. ઘટનાના સમાચારથી તેમના ચાહકો અને પરિવારજનોમાં પણ ચિંતા ફેલાઈ હતી.

            અપહરણના સમાચાર બાદ કિંજલ રબારીના પરિવારજનો ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરિવારજનો દ્વારા સમગ્ર મામલે પોલીસ સમક્ષ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાની હકીકત જાણવા માટે તપાસ શરૂ કરી હતી.

સીસીટીવીના ફૂટેજથી તર્કવિતર્ક

સામે આવેલા સીસીટીવીમાં કિંજલ પોતાના પતિ સાથે રોડ પર ઉભેલી જોવા મળી રહી છે. થોડીવાર બાદ ત્યાં એક કાળા કલરની કાર આવે છે. બહાર રસ્તા પર એક વ્યક્તિ સફેદ કલરના શર્ટમાં પહેલાથી ઉભેલો જોવા મળે છે. જ્યારે કાળી કાર આવે છે તો એક વ્યક્તિ કિંજલના પતિને પકડે છે અને કિંજલ જાતે જ કારનો દરવાજો ખોલી અંદર બેસી જાય છે અને કાર ત્યાંથી જતી રહે છે. આ ફૂટેજે અપહરણના દાવા અંગે તપાસને નવી દિશા આપી છે.

કિંજલ રબારીનો વીડિયો આવ્યો સામે

            લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના દાવા વચ્ચે હવે તેમનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કિંજલ રબારીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે ગયા છે. તેમણે અશોક ચૌધરીની પત્ની હોવાનો દાવો કરતા 10 માર્ચ 2026ના રોજ બંનેના લગ્ન થયા હોવાની પણ વાત કરી છે. સાથે જ કિંજલે આક્ષેપ કર્યો છે કે પરિવારજનો તેમને બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ ગયા હતા. હાલ તેઓ પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે હોવાનું વીડિયોમાં જણાવ્યું છે.

પોલીસે અપહરણ થયાની વાત નકારી

 આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે કિંજલ રબારીના અપહરણના દાવાને ફગાવી દીધો છે. પોલીસ તરફથી અપહરણ થયું હોવાની વાતને સમર્થન મળ્યું નથી. જોકે, સોશિયલ મીડિયા પર ફેલાયેલા દાવા અને ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કિંજલ રબારીનું કાળા રંગની કારમાં અપહરણ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ દાવાને લઈને પણ પોલીસ સમગ્ર મામલાની હકીકત ચકાસી રહી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક