• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

શિક્ષણ માત્ર વ્યવસાય નહીં એક રાષ્ટ્રધર્મ છે : મુખ્યમંત્રી

શિક્ષક દિન નિમિત્તે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ 40 શિક્ષકોનું સન્માન

ભૌતિક સાધનો અને ટેકનોલોજીના જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યોનું જ્ઞાન પણ અનિવાર્ય છે : રાજ્યપાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.5 :  ‘િશક્ષક સમાજનું ઘડતર કરી દેશનું ભાવિ બદલે છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શિક્ષણને માત્ર રોજગારનું સાધન નહીં પરંતુ સમાજ ઘડતરનું માધ્યમ માને છે. સમાજ અને રાષ્ટ્રના જવાબદાર નાગરિકોનું નિર્માણ સાચા અર્થમાં શિક્ષકો દ્વારા જ થાય છે. માત્ર સરકારી વ્યવસ્થા કે નિયમો નહીં, પરંતુ શિક્ષક જ સાચા અર્થમાં રાષ્ટ્ર ઘડતરનું કાર્ય કરે છે’, એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જીવનને આદર્શ ગણાવતા જણાવ્યું હતું.

 શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી રીવાબા જાડેજાની આગેવાનીમાં યોજાયેલા આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર રાજ્યભરના 40 પ્રાથમિક-માધ્યમિક શિક્ષકો અને આચાર્યોનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 18 પ્રાથમિક શાળાના શિક્ષકો, 8 માધ્યમિક શાળાના શિક્ષકો, 3 ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો અને 7 ઉચ્ચતર તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો સામેલ હતા. આ સાથે 4 જેટલા સીઆરસી અને બીઆરસી શિક્ષકોને પણ તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સા વિદ્યા યા વિમુક્તયે નો મંત્ર આપતા તેમણે કહ્યું કે સાચું જ્ઞાન એ જ છે જે મનુષ્યને સંસ્કારી અને સુખી બનાવે. રાજ્યપાલે તમામ શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે ભૌતિક સાધનો અને ટેકનોલોજીના જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યોનું જ્ઞાન પણ અનિવાર્ય છે.

 

ભૂતિયા વિદ્યાર્થીઓ-શાળાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે

રાજ્યમાં ચાલતી ગેરરીતિઓ પર લાલ આંખ કરતા શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ દાહોદ અને અમદાવાદની શાળાઓના સંદર્ભમાં ‘ભૂતિયા વિદ્યાર્થીઓ’ (નકલી નામાંકન)ના પ્રશ્ને કડક વલણ દાખવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવી શાળાઓ સામે આગામી દિવસોમાં લાયક અને દેખાઈ આવે તેવા કડક પગલાં ભરવામાં આવશે.

 

11, 000 વિદ્યા સહાયકની થશે ભરતી

શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સન્માન સમારોહ દરમિયાન શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી શિક્ષકોની ઘટને દૂર કરવા માટે સરકારે સક્રિય અભિગમ અપનાવ્યો છે, જેના ભાગરૂપે ટૂંક સમયમાં જ 11,000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત, ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતી અંગે સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે, એમ ઉમેર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક