અનાક ક્રાકાટોઆમાંથી રાખ હવામાં ફેલાતા ફલાઇટ્સ સંચાલન રોકાયું : લોકોને સક્રિય વિસ્તારથી ત્રણ
કિમી
દૂર રહેવા નિર્દેશ
જકાર્તા,
તા. 6 : ઇન્ડોનેશિયામાં રવિવારે સવારે અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટયો હતો. વિસ્ફોટ
બાદ રાખના બે મોટા ગુબ્બારા બન્યા હતા. જેમાંથી એક 20 હજાર ફૂટ ઉપર સુધી પહોંચ્યો હતો
જ્યારે બીજો ગુબ્બારો 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યો હતો. રાખ ફેલાવાનાં કારણે
જકાર્તાના સોએકાર્નો હટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટે થોડો સમય ફલાઇટ સંચાલન રોકવું પડયું
હતું.
જ્વાળામુખી
અનાક ક્રાકાટોઆ જાવા અને સુમાત્રા વચ્ચે આવે છે. ભૂવૈજ્ઞાનિક એજન્સી અનુસાર પર્વત ઉપર
શુક્રવારથી ગતિવિધિમાં વધારો નોંધાયો હતો. રવિવારે વહેલી સવારે 3.53 વાગ્યે 30 સેકન્ડનો
જોરદાર વિસ્ફોટ થયો હતો. જો કે આ બનાવમાં કોઈના મૃત્યુના અહેવાલ સામે આવ્યા નથી. આ
દરમિયાન લોકોને સક્રિય ક્રેટરથી ઓછામાં ઓછા ત્રણ કિલોમીટર દૂર રહેવાની સલાહ આપવામાં
આવી છે.
વિસ્ફોટ
બાદ રાખના એક ગુબ્બારાથી જકાર્તા, બેંટન, પશ્ચિમી જાવામાં અસર જોવા મળી હતી જ્યારે
બીજા 50 હજાર ફૂટની ઊંચાઈએ ગયેલા ગુબ્બારાની દિશા ઉત્તર-પશ્ચિમ તરફ હતી. જેનાથી બેંટન,
લૈપુંગ, બેંગકુલુ વગેરે હિસ્સા પ્રભાવિત થયા હતા. રાખ ફેલાવાનાં કારણે ફલાઇટ્સ સંચાલન
થોડો સમય માટે રોકી દેવામાં આવ્યું હતું.