• મંગળવાર, 21 જુલાઈ, 2026

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : જૂનાગઢ અને ગિર સોમનાથમાં ધીમી ધારે સરવડા ખેડૂતોને હજુ ધોધમાર વરસાદની રાહ : શેત્રુંજી ડેમ ભરાતાં કેનાલમાં પાણી છોડવા માગ

ગિર સોમનાથમાં હાઈવે પર વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા. 20 : સૌરાષ્ટ્રમાં અષાઢ મહિનાના અંતિમ દિવસોમાં પણ ધોધમાર વરસાદના બદલે શ્રાવણી સરવડા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગિરનાર સહિત જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં રવિવારે દિવસભર મધ્યમથી હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જોકે ખેતી માટે પૂરતો વરસાદ હજુ ન થતાં ખેડૂતોમાં ચિંતા યથાવત છે.

જૂનાગઢ : જિલ્લામાં સવારથી સાંજ સુધી વરસાદી માહોલ રહ્યો હતો. ગિરનાર પર્વતમાળામાં અંદાજે એક ઇંચ, જ્યારે વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. માણાવદર, વંથલી અને જૂનાગઢ શહેરમાં પણ જોરદાર ઝાપટાં પડયાં હતા, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો.

ડોળાસા: ડોળાસા અને આસપાસના ગામોમાં ગત મધરાતથી સાંજ સુધી સતત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન 26 મી.મી. (આશરે એક ઇંચ) વરસાદ નોંધાતા સીઝનનો કુલ વરસાદ 386 મિ.મી. (સાડા 15 ઇંચ) પર પહોંચ્યો છે. તેમ છતાં વિસ્તારની નદીઓ અને ખાડાઓ માત્ર ભરાયા છે, પરંતુ હજુ સુધી એકપણ વખત પૂર જેવી સ્થિતિ સર્જાઈ નથી. જેના કારણે ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે.

કોડિનાર : ભારે વરસાદને કારણે કોડીનાર-અમરેલી સ્ટેટ હાઈવે પર કોડિનાર અને રોણાજ ગામ વચ્ચે વિશાળ વડનું વૃક્ષ રસ્તા પર ધરાશાયી થતાં વાહનવ્યવહાર બેથી ત્રણ કલાક સુધી ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કોડીનાર નગરપાલિકાની ટીમ બે જેસીબી સાથે સ્થળ પર પહોંચી હતી અને લાંબી જહેમત બાદ વૃક્ષ હટાવી માર્ગ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો.

તળાજા : ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં પણ છેલ્લા બે દિવસથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. વાવણીને અંદાજે પંદર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અનરાધાર વરસાદ ન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. શહેર અને આસપાસના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડયો હતો, પરંતુ વરસાદનો વિસ્તાર મર્યાદિત રહ્યો હતો. ખેડૂતોનું માનવું છે કે શેત્રુંજી ડેમ ભરાઈ જવો સકારાત્મક બાબત છે, પરંતુ ડેમનું વધારાનું પાણી સીધું દરિયામાં છોડવાના બદલે કેનાલો મારફતે પાણીની અછત ધરાવતા વિસ્તારો અને ખાલી તળાવોમાં પહોંચાડવામાં આવે તો તેનો સીધો લાભ ખેડૂતો તેમજ ગ્રામ્ય વિસ્તારોને મળી શકે અને ભૂગર્ભ જળસ્તર પણ સુધરી શકે.

અરબી સમુદ્રમાં કરન્ટ : 15-ર0 ફૂટ ઊંચા ઉછળતાં મોજા

દ્વારકામાં છેલ્લાં અઠવાડિયા દરમિયાન સતત વાદળછાયું અને ધાબડિયુ વાતાવરણ રહેવા છતાં હજુ સુધી મેઘમહેર થઈ નથી. પંથકમાં વાવણી કરી ચૂકેલા ખેડૂતો વરસાદના વધતા ઈંતેજાર વચ્ચે ચિંતામાં મૂકાયા છે. વરસાદી વાતાવરણમાં દ્વારકાના કાંઠાળા વિસ્તારો ભડકેશ્વર બીચ, લાઈટ હાઉસ, ગાયત્રી બીચ, ગોમતી ઘાટમાં અરબી સમુદ્રના પાણીમાં કરન્ટને લીધે 15-20 ફૂટ જેટલા વિશાળકાય મોજાઓ ઉછળતા જોવા મળી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક