• મંગળવાર, 21 જુલાઈ, 2026

હેવાનિયત ઃ માસુમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ટ્રેન હેઠળ ફેંકી દીધી

આણંદના વાસદમાં બનેલી ઘૃણાસ્પદ ઘટના સીસીટીવીમાં કેદ નરાધમને પકડવા નાકાબંધી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ,તા.19 ગુજરાતમાં માનવતાને શર્મસાર કરી મૂકે તેવી એક અત્યંત ધૃણાસ્પદ ઘટના આણંદ જિલ્લાના વાસદ રેલ્વે સ્ટેશન પર બની છે. એક શ્રમિક પરિવાર વાસદ રેલવે સ્ટેશન પર ટિકિટ બારી નજીકના ખુલ્લા પરિસરમાં રાત્રિના સમયે સૂતો હતો. પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ દીકરી પણ માતા-િપતાની પડખે ઊંઘી રહી હતી. દરમિયાન મધરાતે એક નરાધમ સાડા ચાર વર્ષની માસૂમ બાળકીને ત્યાંથી ચૂપચાપ ઉઠાવી ગયો હતો. તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં બેહરેમીપૂર્વક તેને ટ્રેક પર ફેંકી દેતા તેની કપાયેલો મૃતદેહ પોલીસને મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

માતા-િપતા પાસે રાત્રે ઊંઘી રહેલી બાળકી સવારે ગાયબ હોવાનું જણાતા પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન વાસદ રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પરથી માસૂમ બાળકીનો લોહીલુહાણ અને કપાયેલો મૃતદેહ મળી આવતા સ્ટેશન પર પરિવારે કલ્પાંત કરી મૂક્યો હતો. ઘટનાની ભયાનકતા જોતાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નરાધમે બાળકીનું અપહરણ કર્યા બાદ રેલવે ટ્રેકની આસપાસ અવાવરુ જગ્યાએ તેના પર હેવાનિયતભર્યું દુષ્કર્મ ગુજાર્યું હતું.

પુરાવાનો નાશ કરવા અને પકડાઈ જવાની બીકે રાત્રિના સમયે ત્યાંથી પસાર થતી કોઈ સ્પીડ ટ્રેન નીચે માસૂમને ફેંકી દેવામાં આવતા ટ્રેનની નીચે કચડાઈ ગઈ હતી. હત્યારો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મામલે પોલીસે વાસદ રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં નરાધમનો ચહેરો કેદ થઈ ગયો હતો. કેમેરામાં એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને પોતાના હાથમાં તેડીને પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક તરફ લઈ જતો સ્પષ્ટપણે કેદ થયો છે. ઉપરાંત ઘટનાસ્થળની નજીક સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને બાળકીની લેંઘી મળી આવી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે બાળકીની હત્યા પહેલા તેની સાથે ભયાનક કૃત્ય આચરવામાં આવ્યું હતું.

ઘટનાની ગંભીરતાને પગલે આણંદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વાસદ પોલીસ અને રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા માટે એફએસએલની સ્પેશિયલ ટીમને બોલાવવામાં આવી છે, જેણે બાળકીના વસ્ત્રો અને ટ્રેક પરથી સેમ્પલ લીધા છે જેથી દુષ્કર્મની કાનૂની પુષ્ટિ થઈ શકે. પોલીસે સીસીટીવી ફૂટેજ જાહેર કરીને નરાધમ હત્યારાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક