• મંગળવાર, 21 જુલાઈ, 2026

મોટી મારડ ડબલ મર્ડર કેસ ઃ એકતરફી પ્રેમમાં પાડોશીએ જ કરી હતી દંપતીની હત્યા

ધોરાજી,તા.19ઃધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં ગત 13 જુલાઈના રોજ ખેતમજૂર દંપતી રોહિત અને દુર્ગાની થયેલી કરપીણ હત્યાનો ભેદ રાજકોટ ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમોએ ઘટનાસ્થળના 5 કિ.મી. વિસ્તારમાં તપાસ, સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પાડોશની વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા 18 વર્ષીય સુરેશ કમલેશભાઈ બારિયા (મૂળ દાહોદ) ને ઝડપી પાડી ગુનાનો પર્દાફાશ કર્યો છે.

પોલીસની સઘન પૂછપરછમાં આરોપી સુરેશે કબૂલાત કરી હતી કે તેને મૃતક દુર્ગા સાથે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમસંબંધ હતો અને તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. જોકે, દુર્ગાના લગ્ન રોહિત સાથે થઈ જતાં તે અકળાયો હતો અને બદલો લેવાની ભાવનાથી કૃત્ય આચર્યું હતું. ઘટનાની રાત્રે બંને પતિ-પત્ની વાડીમાં ખુલ્લામાં સૂતા હતા, ત્યારે આરોપીએ લોખંડના મજબૂત પાઇપ વડે તેમના માથાના ભાગે જીવલેણ હુમલો કરી બંનેની હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી અને પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક