• મંગળવાર, 21 જુલાઈ, 2026

સ્પેન 16 વર્ષ બાદ ફૂટબોલ સરતાજ : આર્જેન્ટિના સામે 1-0 ગોલથી રોમાંચક વિજય મેસ્સી અને આર્જેન્ટિનાનું સતત બીજીવાર વિશ્વ વિજેતા બનવાનું સપનું ચકનાચૂર

ફાઇનલમાં એઁકસ્ટ્રા ટાઇમની 106મી મિનિટે ટોરેસે સ્પેન માટે વિજયી ગોલ કર્યો

ન્યૂયોર્ક, તા.20: સ્પેન 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. ગઇકાલે મોડી રાત્રે રમાયેલા ફાઇનલમાં યૂરોપિયન કપ વિજેતા સ્પેન ટીમનો રસાકસી બાદ 2022ની ફીફા ચેમ્પિયન ટીમ આર્જેન્ટિના સામે 1-0 ગોલથી ઐતિહાસિક વિજય થયો હતો. સ્પેન તરફથી એકસ્ટ્રા ટાઇમની 106 મિનિટે ફેરેન ટોરસે ગોલ કર્યો હતો. સ્પેન બીજીવાર ફીફા વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. તેણે પહેલીવાર 2010માં નેધરલેન્ડ સામે જીત મેળવી ટ્રોફી જીતી હતી. ત્યારે પણ સ્પેનનો એકસ્ટ્રા ટાઇમના એકમાત્ર ગોલથી વિજય થયો હતો.

બીજી તરફ મેસ્સીની ટીમ આર્જેન્ટિના સળંગ બીજીવાર અને કુલ ચોથીવાર ફૂટબોલ વિશ્વ કપના ખિતાબથી વંચિત રહી હતી. 39 વર્ષીય આર્જેન્ટિનાના કપ્તાન અને દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસ્સીની આંતરાષ્ટ્રીય કારર્કિદીનો પણ ફાઇનલની હાર સાથે લગભગ અંત થયો હોવાનું વિશેષજ્ઞોનું માનવું છે.

ફાઇનલ મુકાબલામાં સ્પેનની ટેકનીક, મીડફિલ્ડમાં બોલ પરની પકડ અને અભેદ્ય ડિફેન્સ સામે પૂરી આર્જેન્ટિના ટીમ લાચાર સ્થિતિમાં જોવા મળી હતી. મેસ્સી સહિતના આર્જેન્ટિનાના એકપણ ખેલાડીને ગોલ કરવાનો મોકો આપ્યો ન હતો. મેચની 10પ મિનિટ સુધી ગોલકીપર માર્ટિનેજે એકેલાએ સ્પેનના આક્રમણ સામે લડત આપી હતી. તેણે સ્પેનના આક્રમણનો સતત મજબૂતીથી સામનો કર્યો હતો. લામિન યમાલના બોકસ બહારના શોટ, ઓયરજબાલ અને પેડ્રીના બોકસ અંદરના રોકેટ શોટને માર્ટિનેજે રોકી દીધા હતા. દીવાલને જેમ અડીખમ ઉભા રહી આર્જેન્ટિનાને મેચમાં બચાવી રાખનાર માર્ટિનેજ આખરે 106 મિનિટે થાપ ખાઇ ગયો હતો. નિકો વિલિયમ્સના હેડરથી ટોરેસે જોરદાર કિક મારી બોલ ગોલપોસ્ટની અંદર ઘૂસાડી દીધો હતો. આથી સ્પેન 1-0થી આગળ થયું હતું.

મેચની 93મી મિનિટે આર્જેન્ટિનાના અનુભવી ખેલાડી અંજો ફરનાન્ડિસને બીજું યલ્લો કાર્ડ મળ્યું હતું. આથી તે મેચ બહાર થઇ ગયો હતો. આ પછી 10 ખેલાડીની રમતી આર્જેન્ટિના ટીમ એકસ્ટ્રા ટાઇમમાં હારી હતી અને રનર્સઅપથી સંતોષ માનવો પડયો હતો.

મેડ્રિડમાં આજે વિજેતા ટીમની વિકટ્રી પરેડ

મેડ્રિડ તા.20: ફૂટબોલ વિશ્વ કપનો ખિતાબ જીત્યા બાદ સ્પેન ટીમ સોમવારે સ્વદેશ પરત ફરશે. ટીમના ભવ્ય સ્વાગત માટે મેડ્રિડમાં જોરદાર તૈયારી ચાલી રહી છે. સોમવારે સાંજે ખુલ્લી બસમાં વિજેતા ટીમની વિકટ્રી પરેડ નીકળશે. ખેલાડીઓના સન્માનમાં સ્પેનના વડાપ્રધાને વિશેષ કાર્યક્રમ રાખ્યો છે. આ ઉપરાંત વિજેતા ટીમનું સન્માન સ્પેનના શાહી મહેલમાં કરવામાં આવશે. સ્પેન પુરુષ અને મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ ખિતાબ એકસાથે હાંસલ કરનાર પહેલી ટીમ બની છે. 2023 મહિલા ફૂટબોલ વિશ્વ કપમાં સ્પેન મહિલા ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક