• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

ખાદ્યતેલના ભાવમાં ભડકો ઃ સીંગતેલ ફરી રૂ.2900ની નજીક

રાજકોટ,તા.19 (ફૂલછાબ ન્યૂઝ) શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે. તહેવારની સીઝનમાં ઘરે-ઘરે ફરાળી વસ્તુઓ બનતી હોય છે. જેમાં ખાદ્યતેલનો ઉપયોગ વધતો હોય છે. જોકે તહેવાર પૂર્વે સીંગતેલ સહિતના તમામ ખાદ્યતેલના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુધ્ધ શરૂ થતા ક્રૂડના ભાવમાં તેજી થઈ જતા પામતેલના ભાવ ઉંચકાયા છે. વૈશ્વિક અસર અને મગફળીની અછતથી તેલ મિલરોને કાચો માલ મળતા તેલના ભાવમાં ભડકો થઈ ગયો છે. સીંગતેલનો ડબો ફરી રૂ.2900 નજીક પહોંચી જતા મધ્યમ વર્ગની ચિંતામાં વધારો થયો છે.

ગત વર્ષે મગફળીનું મબલક ઉત્પાદન થતા સીંગતેલના ભાવ નીચા રહેશે તેવી ધારણા હતી. જોકે  સીઝન પૂરી થતા ખૂલ્લા બજારમાં આવક સાવ તળિયે પહોંચી ગઈ છે. સરકાર દ્વારા ટેકાના ભાવે રેકોર્ડબ્રેક 18 લાખ ટનની ખરીદી કરી હતી. જોકે સરકાર ઉંચા ભાવે મગફળીનું વેચાણ કરતી હોવાથી તેલ મિલોને પડતર લાગતી નથી. જેના લીધે કાચા માલની અછતને પગલે સીંગતેલના ભાવ વધી રહ્યા છે. બીજી તરફ વૈશ્વિક બજારમાં તેલના ભાવ વધી રહ્યા હોવાથી સાઈડ તેલના ભાવ પણ ઉંચકાઈ રહ્યા છે.

ખાદ્યતેલના ભાવમાં છેલ્લા 20 દિવસમાં જોરદાર તેજી થઈ ગઈ છે. જેમાં સીંગતેલમાં રૂ. 160, કપાસિયા તેલમાં રૂ. 150, પામતેલમાં રૂ. 55, સૂર્યમુખી તેલમાં રૂ. 75, મકાઈ તેલમાં રૂ. 50, સરસવ તેલમાં રૂ. 110, વનસ્પતિ ઘીમાં રૂ. 80 અને દિવેલમાં રૂ. 20નો ઉછાળો નોંધાયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક