• મંગળવાર, 21 જુલાઈ, 2026

સંસદ સત્રનાં પહેલા દિવસે હંગામો વરસ્યો

રામ મંદિરમાં દાનની ચોરી, નીટ પેપર લીક, ઈથેનોલ મિશ્રણ સહિતનાં મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો: કાર્યવાહી દિવસભર માટે સ્થગિત

નવી દિલ્હી, તા.20: જેની આશંકા હતી એવું જ આજે સંસદનાં વર્ષા સત્રનાં પહેલા દિવસે જોવા મળ્યું. અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરી, નીટ પેપર લીક, ઈથેનોલ મિશ્રણ સહિતનાં મુદ્દે વિપક્ષે આજે પહેલા દિવસથી જ ભારે હંગામો મચાવી દીધો હતો અને વારંવાર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. બપોરે રાજ્યસભાની કામગીરી દિવસભર માટે સ્થગિત રાખી દેવામાં આવી હતી અને લોકસભાની કામગીરી પણ છ વખત ખોરવાયા બાદ બપોર પછી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. આમ પહેલો દિવસ હંગામાની ભેટ ચડી ગયો હતો. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી સદસ્યોએ સરકાર સામે નારાબાજી અને શોરબકોર કરતાં આ મુદ્દાઓ ઉઠાવ્યા હતાં. જેનાં કારણે બન્ને ગૃહોમાં પ્રશ્નકાળ અને શૂન્યકાળ ચાલી શક્યા ન હતાં અને કોઈપણ વિધાયકી કામ પણ થઈ શક્યું ન હતું.  લોકસભામાં પ્રશ્નકાળ શરૂ થતાં જ વિરોધ પક્ષના સભ્યો નીટ યુજી પેપર લીક અને ચઢાવાની ચોરી અંગે સૂત્રો             લખેલી તકતીઓ લઈને ગૃહના મધ્યભાગમાં ધસી આવીને નારેબાજી શરૂ કરવા લાગ્યા હતાં. અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને પોતાની બેઠકો પર પરત જઈ પ્રશ્નકાળ ચાલવા દેવાની અપીલ કરતાં કહ્યું હતું કે, સંસદ દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે અને અહીં ચૂંટાઈને આવેલા સાંસદો પાસેથી જનતાને ઘણી અપેક્ષાઓ હોય છે. તેમણે તકતીઓ લહેરાવવી અને નારેબાજીને ગૃહની મર્યાદા વિરુદ્ધ ગણાવીને કહ્યું હતું કે, સત્રના પ્રથમ દિવસે ગૃહ ન ચાલવાની પરંપરા હવે તૂટવી જોઈએ. હંગામો ન થંભતાં તેમણે કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

કાર્યવાહી ફરી શરૂ થયા બાદ પણ વિરોધ પક્ષનો હંગામો યથાવત રહ્યો હતો. પીઠાસન અધિકારી દિલીપ સૈકિયાએ વિરોધ પક્ષને ગૃહની કાર્યવાહી ચાલવા દેવાની અપીલ કરતાં જણાવ્યું કે સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે અને આસામ તથા અરુણાચલ પ્રદેશમાં આવેલી પૂર જેવી અનેક મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થવી જોઈએ. તેમ છતાં વિરોધ પક્ષના સભ્યો શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે નારેબાજી કરતા રહ્યા, જેના કારણે કાર્યવાહી પહેલા બપોરે 1 વાગ્યા સુધી અને ત્યારબાદ 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. ભોજન વિરામ બાદ પણ ગતિરોધ સમાપ્ત થયો ન હતો.

કોંગ્રેસના કે.સી. વેણુગોપાલે ક્વોરમનો મુદ્દો ઉઠાવ્યો, જ્યારે કેટલાક વિરોધ પક્ષના સભ્યોએ આરોપ લગાવ્યો કે સાંસદોને ગૃહમાં પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે. પીઠાસીન અધિકારીએ આ આરોપોને નકારી કાઢ્યા હતાં. તેમણે સભ્યોને પોતાની બેઠકો પર પરત જઈ ગૃહની કાર્યવાહી ચાલવા દેવાની અપીલ કરી, પરંતુ હંગામો ચાલુ રહેતાં કાર્યવાહી પહેલા બપોરે 3 વાગ્યા સુધી અને બાદમાં સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી. પરિણામે લોકસભામાં આખો દિવસ કોઈપણ વિધાનકાર્ય થઈ શક્યું નહીં.

રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાં જ સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને પ્રથમ નવ નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા હતાં. ત્યારબાદ ગૃહે અવસાન પામેલા સભ્યો તેમજ કતારના પૂર્વ અમીરના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને મૌન પાળ્યું હતું. જરૂરી વિધાનસભાકીય દસ્તાવેજો ગૃહમાં મૂકાયા બાદ વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવી હતી અને તેમણે નીટ યુજી પેપર લીક લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે અને જંતર-મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તે મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમના આ નિવેદન બાદ વિરોધ પક્ષના સભ્યો નારેબાજી કરવા લાગ્યા અને સભાપતિએ કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કાર્યવાહી ફરી શરૂ થયા બાદ પણ વિરોધ પક્ષના સભ્યો પેપર લીક અને જંતર-મંતર ખાતે થયેલા કથિત લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવી સતત નારેબાજી કરતા રહ્યા. સતત હંગામાને કારણે કાર્યવાહી બીજી વખત બપોરે 12:30 વાગ્યા સુધી, ત્રીજી વખત 12:50 વાગ્યા સુધી, ચોથી વખત 2 વાગ્યા સુધી અને પાંચમી વખત 2:30 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. છઠ્ઠી વખત બેઠક શરૂ થતાં ઉપસભાપતિ હરિવંશે જણાવ્યું કે સવારે ત્યારથી ગૃહમાં કોઈ કામકાજ થઈ શક્યું નથી અને સભ્યોને ઉચ્ચ ગૃહની મર્યાદા જાળવી પોતાની બેઠકો પર પરત જઈ કાર્યવાહી ચાલવા દેવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ગૃહ નિયમો અનુસાર ચલાવવું જોઈએ અને તમામ સભ્યોએ યોગ્ય વાતાવરણ ઊભું કરવું જોઈએ, પરંતુ તેમની અપીલનો વિરોધ પક્ષના સભ્યો પર કોઈ અસર થઈ નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક