પંચમહાલ, ખેડા સહિત 7 જિલ્લામાં પોઝિટિવ કેસ નોંધાયા; જામનગરના બંને શંકાસ્પદ કેસ નેગેટિવ આવતા રાહત
સપ્ટેમ્બર
સુધી વાયરસની સક્રિયતા વધુ હોવાથી નાના બાળકોમાં લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા
અપીલ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.20
: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જાય છે. જેને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ
સતર્ક બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વાયરસના 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી
12 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ કેસોમાં ગુજરાતના 9 અને રાજસ્થાનના 3 દર્દીઓનો
સમાવેશ થાય છે. દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં આજે યોજાયેલી
બેઠકમાં વાયરસની સ્થિતિ, ટેસ્ટિગ અને નિયંત્રણ માટે હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા
કરવામાં આવી હતી.
આરોગ્ય
વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પંચમહાલ અને ખેડા જિલ્લામાં
2-2 કેસ, જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં
1-1 કેસ નોંધાયા છે. તમામ કેસોની તપાસ માટે રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા કામગીરી કરવામાં
આવી રહી છે.
ચાંદીપુરા
વાયરસ ફેલાવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સેન્ડ ફ્લાયના નિયંત્રણ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં
ખાસ અભિયાન હાથ ધરાયું છે. કાચા મકાનો, પશુઓની ગમાણ અને આસપાસના વિસ્તારોમાં દવાનો
છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 117 સેન્ડ ફ્લાયના સેમ્પલ તપાસવામાં
આવ્યા છે, જેમાં તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે ચોમાસા
દરમિયાન અને સપ્ટેમ્બર સુધી ચાંદીપુરા વાયરસની સક્રિયતા વધુ જોવા મળે છે. નાના બાળકોમાં
અચાનક તાવ, ખેંચ આવવી, ઉલટી-ઝાડા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં
સારવાર લેવી જરૂરી છે. તંત્ર દ્વારા લોકોને ગભરાવા નહીં પરંતુ સાવચેતી રાખવા અપીલ કરવામાં
આવી છે.
જામનગરમાં
બે બાળકોના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લેબ રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રને રાહત
મળી છે. ગણપતનગર અને રવિપાર્ક વિસ્તારમાંથી મળેલા બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલાયા
હતા. સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે બંને વિસ્તારોમાં સઘન સર્વે હાથ
ધર્યો છે. બીજી તરફ જામનગરમાં ગણપતનગરના આશરે 400 અને રવિપાર્કના 142થી વધુ ઘરોમાં
આરોગ્ય સર્વે કરવામાં આવ્યો છે. લોકોને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ જંતુ
નિયંત્રણ માટે છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. સર્વે દરમિયાન અન્ય કોઈ શંકાસ્પદ
કેસ સામે આવ્યો નથી.