ભાવ વધારાની સીધી અસર લાખો સીએનજી વાહનચાલકોના માસિક ખર્ચ પર પડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.20 : ગુજરાતમાં વાહનચાલકોને
વધુ એક ભાવ વધારાનો ઝટકો લાગ્યો છે. અદાણી ટોટલ ગેસ બાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજીના
ભાવમાં પ્રતિ કિલો રૂ.2નો વધારો જાહેર કર્યો છે. નવા ભાવ અમલમાં આવતા હવે ગુજરાત ગેસનું
સીએનજી પ્રતિ કિલો રૂ.85.20ના ભાવે મળશે.
તાજેતરના ભાવ વધારા બાદ પણ ગુજરાત
ગેસનું સીએનજી અદાણી ટોટલ ગેસની સરખામણીએ હજુ પણ સસ્તું છે. અદાણી ટોટલ ગેસનું સીએનજી
અત્યારે પ્રતિ કિલો રૂ.90ના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ગુજરાત ગેસનું સીએનજી રૂ.85.20
પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હોવાથી બંને કંપનીના ભાવમાં અંદાજે રૂ.5નો તફાવત છે. સીએનજીના
ભાવમાં થયેલા વધારાની સીધી અસર લાખો સીએનજી વાહનચાલકોના માસિક ખર્ચ પર પડશે. ખાસ કરીને
રાજિંદા મુસાફરી કરતા કાર, ઓટોરિક્ષા અને કોમર્શિયલ વાહનચાલકોને હવે ઈંધણ માટે વધુ
ખર્ચ કરવો પડશે. છેલ્લા કેટલાક સમયથી ઈંધણના ભાવમાં થતા ફેરફારોને કારણે વાહનચાલકોનું
બજેટ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. ગુજરાત ગેસના આ નવા ભાવવધારા બાદ ગ્રાહકોમાં ચર્ચા
શરૂ થઈ છે.