• મંગળવાર, 21 જુલાઈ, 2026

CJPની સંસદ ભણી કૂચમાં ઘર્ષણ: અભિજીતે ભૂખ હડતાલ છોડી

સરકારે કોકરોચ પાર્ટી સાથે કરી વાતચીત : CJPએ મૂકી શિક્ષામંત્રીનાં રાજીનામા સહિતની માગણીઓ : કનોટ પ્લેસ, જનપથ અને રેલ ભવન પાસે

પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ : બેરિકેડ્સ તોડી ભીડ આગળ વધતા ટિયર ગેસના સેલ છોડાયા : સેન્ટ્રલ દિલ્હીમાં અફરાતફરીનો માહોલ બન્યો

નવી દિલ્હી, તા.20: નીટ પેપર લીક મામલે શિક્ષામંત્રી ધમેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની માગણી સાથે ચાલતા કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)નાં આંદોલનમાં આજે દિવસભર ભારે નાટકીય ઘટનાક્રમો અને હંગામો ચાલતા રહ્યાં હતાં. સીજેપી દ્વારા કરવામાં આવેલા એલાન અનુસાર આજે સંસદ ભણી કૂચ કાઢવામાં આવી હતી અને તેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો અને અનેક દેખાવકારોને અટકાયતમાં લઈ લીધા હતાં. બીજીબાજુ હોસ્પિટલમાં અનશન ચાલુ રાખનાર સામાજિક કાર્યકર સોનમ વાંગચુકનાં કહેવાથી સીજેપીનાં સંસ્થાપક અભિજીત દીપકેએ ભૂખ હડતાલ છોડી દીધી હતી. તો સરકારે પણ આજે પહેલીવાર સીજેપી સાથે વાતચીત કરી હતી. જેમાં સીજેપી તરફથી પોતાની માગણીઓ મૂકવામાં આવી હતી.

આજથી જ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું હતું ત્યારે ઘણાં વર્ષો બાદ પહેલીવાર આજે સીજેપીની સંસદ ભણી કૂચ સંસદની ખુબ જ નજીક પહોંચી ગઈ હતી અને લાગુ કરવામાં આવેલા પ્રતિબંધાત્મક આદેશો અને સુરક્ષા બંદોબસ્ત      અપૂરતા સાબિત થયા હતાં. આ દરમિયાન સીજેપીનાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. દેખાવકારોને વિખેરવા માટે જેમાં લાઠીચાર્જ અને અશ્રુવાયુ પણ છોડવામાં આવ્યા હતાં. સંસદ માર્ચને આગળ વધતી રોકવા માટે અનેક કાર્યકરોને અટકાયતમાં પણ લેવાયા હતાં. જેમાં સીજેપીનાં સંસ્થાપક અભિજીત દીપકેને પણ અટકાયતમાં લેવાયાનાં અહેવાલો આવ્યા હતાં પણ પોલીસે પછી આને રદિયો આપ્યો હતો. બીજીબાજુ જંતર-મંતર ખાતે પણ મોટા પ્રમાણમાં સમર્થકો ઉમટી પડયા હતાં અને વિપક્ષી નેતાઓને પણ પ્રદર્શનમાં સામેલ થયા હતાં. જો કે બાદમાં જંતર-મંતર ઉપર ધરણાં કરતાં દેખાવકારોને પણ પોલીસે હટાવીને મેદાન ખાલી કરાવી નાખ્યું હતું. હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકે પોતાનાં અનશન જારી રાખવાની અડગતા દેખાડીને અભિજીતને ભૂખ હડતાલ પૂરી કરવાં કહેતાં તેણે અનશન છોડી દીધા હતાં. આ દરમિયાન સરકાર તરફથી પહેલીવાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ સીજેપીનાં પ્રવક્તા સૌરવ દાસ સાથે વાતચીત કરી હતી અને તેમાં સીજેપીએ પોતાની માગણીઓ સરકાર સમક્ષ મૂકી હતી. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે શિક્ષા મંત્રી ધમેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત પણ કરી હતી. જેને પગલે કોઈ મોટા રાજકીય ઘટનાક્રમ ઉભા થવાની અટકળો પણ શરૂ થઈ ગઈ હતી. જો કે તેમનાં વચ્ચે શું વાર્તાલાપ થયો તે સ્પષ્ટ થયું નહોતું.

સીજેપીની સંસદ ચાલો માર્ચ સંસદની નજીક પહોંચતા પહોંચતા ઉગ્ર બની હતી. અગાઉ પ્રદર્શનને રોકવાની તૈયારીના ભાગ રૂપે દિલ્હી પોલીસ દ્વારા સંસદ ભવન જવાના રસ્તે અલગ અલગ સ્થળે બેરીકેડ્સ મુક્યા હતા. જો કે સીજેપીના આંદોલનમાં જોતજોતામાં ભારે ભીડ એકત્રિત થઈ હતી અને પોલીસ બેરિકેડ્સ તોડીને આગળ વધવા લાગ્યા હતા. રેલી સંસદની 200 મીટરની ત્રિજ્યામાં પહોંચી જતા પોલીસ અને સુરક્ષા દળો એલર્ટ બન્યા હતા અને પ્રદર્શનકારીઓને રોકવા માટે ટિયલ ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને લાઠી ચાર્જ શરૂ કરાયો હોત. જેનાથી માહોલ વધારે તણાવભર્યો બની ગયો હતો.

હકીકતમાં પ્રદર્શનકારી બાદમાં સંસદના ખુબ જ નજીક રેલ ભવન સુધી પહોંચી ગયા હતા, જેનાથી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ ઉપર આવી હતી. આ ઉપરાંત ચોમાસુ સત્ર ચાલી રહ્યું હોવાના કારણે સાઉથ ગેટ સહિત સંસદની બે એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી. તેમજ રેલ ભવન અને ટ્રાન્સપોર્ટ ભવન પાસે ટિયર ગેસના સેલ અને બળ  પ્રયોગ કરીને પ્રદર્શનકારીઓને હટાવવાની કવાયત કરવામાં આવી હતી. વિજય ચોક, રાયસીના રોડ અને સંસદની આસપાસ સીઆરપીએફ, પેરામિલિટ્રી તેમજ સંસદ સુરક્ષા દળની ભારે તૈનાતી કરી દેવામાં આવી હતી.

પ્રદર્શનકારીઓ મધ્ય દિલ્હીના કનોટ પ્લેસે પહોંચ્યા હતા અને આઉટ સર્કલને પૂરી રીતે જામ કરી દીધું હતું. તેમજ બસોને આગળ વધતી રોકી દેવામાં આવી હતી. આ ઉપરાંત જંતર મંતર અને જનપથ નજીક પણ ભારે ભીડ એકત્રિત થઈ હતી. માર્ચને નિયંત્રીત કરવા માટે પોલીસે ઘણા સ્થળે બેરિકેડસ મુક્યા હતા પણ ભીડ દ્વારા બેરિકેડ્સ તોડવામાં આવ્યા હતા.

સીજેપીના સંસદ ચાલો પ્રદર્શન દરમિયાન થયેલા ઘર્ષણ બાદ દિલ્હી પોલીસે અલગ અલગ સ્થળેથી મળેલી ફરીયાદના આધારે અલગ અલગ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા શરૂ કરી હતી. દિલ્હી પોલીસ સુત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 70 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમજ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 50થી વધારે જવાન ઘાયલ થયા હતા.

હકીકતમાં દિલ્હી પોલીસ વર્ષોથી સંસદ ભવન સુધી થતી રેલીઓને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન નજીક રોકી લેતી હતી પણ આ વખતે સીજેપીની રેલી સંસદ ભવનની નજીક પહોંચી હતી. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને આગળ વધતા રોકવા માટે રેલ ભવન અને કૃષિ ભવન નજીક લાઠી ચાર્જ તેમજ ટિયર ગેસના સેલ છોડયા તા. આ દરમિયાન પોલીસ કમિશનર અનુરાગ કુમાર પોતે સંસદ ભવન પોલીસ સ્ટેશને બેસીને સ્થિતિની દેખરેખ કરી રહ્યા હતા.

પ્રદર્શનકારીઓ દ્વારા જનપથ ઉપર જોરદાર પથ્થરમારો પણ કર્યો હતો જ્યારે પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને ખદેડવા માટે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન સીજેપી પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા ઉપર અચાનક દાવો કર્યો હતો કે અભિજીત દીપકેને પોલીસ લઈ ગઈ છે. તેઓ તમામ સાંસદોને વિનંતી કરે છે કે સડકો ઉપર રહેલા છાત્રોના સમર્થનમાં આવે. પોલીસ શાંતિથી પ્રદર્શન કરી રહેલા લોકો ઉપર નિર્દયી કાર્યવાહી કરી રહી છે અને મારી રહી છે. જો કે સાંજના સમયે સીજેપી પ્રવક્તાએ ફેરવી તોળતાં કહ્યું હતું કે, અભિજીત દીપકેની કોઈ અટકાયત થઈ નથી. પ્રદર્શનના કારણે સેન્ટ્રલ દિલ્હીમાં ઘણા વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ બની હતી. કનોટ પ્લેસમાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક