• મંગળવાર, 21 જુલાઈ, 2026

જામનગરમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

ગોકુલનગર વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ : પાંચ સામે હત્યાનો ગુનો નોંધાયો

(ફૂલછાબ ન્યુઝ)

જામનગર, તા.18: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડામાં એક ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપી સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

ગોકુલનગરમાં બનેલી હત્યાની ઘટનામાં ફરિયાદી બાબુ ઉર્ફે રણજીતાસિંહ જશાજી જેઠવા (ઉં.30, રહે. ગોકુલનગર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 17ની રાત્રે તેમના ઘરની બાજુના ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો ગાળો બોલતા હતા. તે બાબતે સોનુબા ગુમાનાસિંહ જાડેજાને શંકા જતાં તેઓ ફરિયાદીના ઘરે આવી તેમના ભાઈઓ અંગે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ગુમાનાસિંહ જાડેજા, પ્રદીપાસિંહ ગુમાનાસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજાસિંહ વાઘેલા, જોષનાબા તથા તેમના પતિ ત્યાં આવી પહોંચ્યા હતા. જેમાં પ્રદીપાસિંહ ગુમાનાસિંહ જાડેજા પાસે છરી અને જયલો રાઠોડ પાસે લાકડાનો ધોકો હતો. થોડા સમય બાદ બહારથી બૂમો પડતા ફરિયાદી બહાર નીકળ્યા ત્યારે તેમના ભાઈ પ્રદીપાસિંહ જેઠવા ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. 

આરોપી પ્રદીપાસિંહ જાડેજાએ છરીના ઘા મારતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. સાથે જ અન્ય આરોપીઓએ ફરિયાદીના બીજા ભાઈ મયુરાસિંહને પણ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત પ્રદીપાસિંહને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટયો હતો. આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે હત્યા, મારામારી, ગેરકાયદેસર મંડળી રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક