• બુધવાર, 24 જૂન, 2026

જસદણ: પાણીની ટાંકીમાં કૂદી પિતા પુત્રીનો આપઘાત

પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ પુત્રી સાથે જિંદગીનો અંત આણ્યો 

જસદણ, તા.23 : જસદણમાં પત્ની પોતાના પ્રેમી સાથે ભાગી જઈ અને માસૂમ પુત્રીને પોતાના પ્રેમની નિશાની માની પતિ પાસેથી માગ કરતા પિતાએ છત પર આવેલા 1000 લિટરના પાણીના ટાંકામાં પુત્રી સાથે કૂદી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદણના સ્મશાન રોડ ઉપર આવેલા ગેબનશા સોસાયટીમાં અપરણિત નાના ભાઈ, માતા અને પાંચ વર્ષના પુત્ર અને અઢી વર્ષની પુત્રી સાથે રહેતા મેમણ ફીયાઝ આરીફભાઈ પરિયાણી (મેમણ) (ઉં.વર્ષ 32) એ આજે સવારે પોતાની માત્ર અઢી વર્ષની પુત્રી ફાતેમાને લઈ મકાન ઉપર આવેલા માત્ર એક હજાર લિટરની પાણીની ટાંકીમાં પડી મૃત્યુ વહાલું કર્યું હતું.

ફીયાઝની માતા હસીનાબેનના જણાવ્યા મુજબ મારી પુત્રવધૂ ફિરદોષને ત્રણ વર્ષ થયા અમારા મકાનની સામે ઓફિસમાં કામ કરતા લાલા ખીમાણી સાથે પ્રેમ સંબંધ હતો મારી પુત્રવધુ મારા પુત્ર સાથે તેના પ્રેમ સંબંધને લીધે સારી રીતે રીતે રહેતી પણ નહોતી અને અવાર-નવાર ઝઘડા કર્યા રાખતી હતી. આઠ દિવસ પહેલા મારી પુત્રવધૂ લાલા ખીમાણી સાથે નાસી ગઈ હતી આ દરમિયાન લાલા ખીમાણીએ મારા પુત્ર ફીયાજને ફોનમાં કહ્યું હતું કે અઢી વર્ષની પુત્રી ફાતેમા અમારા પ્રેમની નિશાની છે તું એને આપી દે નહિતર સારાવાટ નહીં રહે આવી માગણી કરતા આજે સવારે અમે નીચે સુતા હતા ત્યારે ફીયાજ પુત્રીને લઈ ઉપર જઈ પાણીની ટાંકીમાં પડી આપઘાત કરી લીધો હતો. મારો પુત્ર અને મારી પૌત્રી ઘરે ન દેખાતા સવારે અમે શોધખોળ કરી પણ મળી ન આવતા પરિવારજનોને જાણ કરતા ઉપર પાણીના ટાંકામાં બંને મળી આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યંy હતું કે મારા પુત્ર અને મારી પૌત્રીના મૃત્યુ જેના કારણે થયા છે તેમને ફાંસી આપી અમને ન્યાય આપો. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ અને મેમણ સમાજના આગેવાનો મૃતક પરિવારને ત્યાં પહોંચી ગયા હતા. પિતા પુત્રીનાં મૃતદેહને પીએમ માટે જસદણ સરકારી દવાખાને ખસેડવામા આવી હતી.  

 

ઇ-પેપરના નવા શુલ્ક