• બુધવાર, 24 જૂન, 2026

રામ મંદિરમાં ગબન: ચઢાવાની ચોરીથી માંડીને કમિશનખોરી સુધીનાં ખુલાસા

ચંપત, અનિલ અને ગોપાલ રાવ સહિતનાં ટ્રસ્ટનાં પદાધિકારીઓ  શંકાનાં દાયરામાં: સીટે સોંપ્યો 100 પાનાનો પ્રારંભિક તપાસ અહેવાલ

નવી દિલ્હી, તા.23: અયોધ્યામાં શ્રીરામ મંદિરનાં ચઢાવાની રકમની ચોરીનાં કેસમાં સીટ દ્વારા આજે રાજ્ય સરકારને પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ સોંપી દેવામાં આવ્યો હતો. આશરે 100 પાનાં આ રિપોર્ટમાં શું તથ્યો ઉજાગર થયા છે તેની કોઈ સત્તાવાર જાણકારી હજી સુધી આપવામાં આવી નથી. જો કે સૂત્રોનાં હવાલેથી આવતા અહેવાલો અનુસાર ચઢાવામાંથી ચોરીથી લઈને કમીશનખોરીનાં ખેલનાં પુરાવાઓ આમાં સામેલ છે.

અપર મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદને આજે સવારે સોંપવામાં આવેલા આ અહેવાલમાં મંદિરમાં કર્મચારીઓની નિયુક્તિ, નાણા ગણતરીની પ્રક્રિયામાં પણ મોટી હેરાફેરીની આશંકા સીટે દર્શાવી છે. તેનાં સંબંધિત પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે અને સાહેદોનો ઉલ્લેખ પણ આ રિપોર્ટમાં છે.

રિપોર્ટમાં ટ્રસ્ટનાં પદાધિકારીઓ ઉપર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની ભૂમિકા પણ ઉજાગર કરવામાં આવી છે. આ લોકો મંદિરમાં થયેલી હેરાફેરીમાં સંડોવાયેલા હોવાની શંકા છે. જ્યારે કેટલાક પદાધિકારીઓ બેદરકારીનાં દોષિત જણાયા છે. જે પદાધિકારીઓ સામે સીટનાં રિપોર્ટમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે તેમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્રા અને નિર્માણ સહાયક ગોપાલ રાવનાં નામ પણ સામેલ છે. આ ઉપરાંત પદાધિકારીઓનાં સગાવહાલાઓનો પણ તપાસ રિપોર્ટમાં ઉલ્લેખ છે. ખાસ કરીને ચંપત રાયની નજીકનાં ટિનુ યાદવ, અનિલ મિશ્રાનાં સંબંધી, ગોપાલ રાવનાં સગા સહિતનો સમાવેશ થાય છે. ચઢાવાની ચોરીમાં સીધી રીતે 2પ-30 લોકોની ભૂમિકા જણાઈ છે. જે તમામ સામે કેસ નોંધાઈ શકે છે. જ્યારે અનિલ મિશ્રા ઉપર 40 ટકા કમિશન લેવાનો આરોપ

પણ છે.

આ રિપોર્ટ પછી હવે ટ્રસ્ટમાં બદલાવ સાથે ચોરી કરનારાઓ સામે કાર્યવાહી પણ શક્ય છે. જો કે એસઆઈટીનું કહેવું છે કે, આ માત્ર પ્રાથમિક તપાસ રિપોર્ટ છે. વિસ્તૃત તપાસ હજી ચાલી રહી છે. આગામી બે સપ્તાહમાં તપાસ પૂરી કરી લેવામાં આવશે અને તેમાં વધુ પુરાવાઓ સામે આવી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક