• બુધવાર, 24 જૂન, 2026

ભાવનગર મેડિકલ કોલેજ રાગિંગ કાંડ : 7 સિનિયર સસ્પેન્ડેડ ડોક્ટર ફરાર

‘કુકડા’ બનાવી વીડિયો ઉતારતા; સ્નાયુના દુખાવાથી બેભાન થાય ત્યાં સુધી કલાકો ઉભા રાખતા : ફરાર ડોક્ટરોને ઝડપી લેવા પોલીસની બે ટીમ મેદાને

(ફૂલછાબ ન્યુઝ)

ભાવનગર, તા.22: ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં માનવતા શર્મસાર કરતી રાગિંગની ગંભીર ઘટના બની હતી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતા પ્રથમ વર્ષના 13 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવાના આક્ષેપ સાથે બીજા વર્ષના 7 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકે સત્તાવાર ગુનો નોંધાયો છે. આ ઘટના બહાર આવતાની સાથે જ મેડિકલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગુનો નોંધાતા જ તમામ સાતેય આરોપી ડોક્ટરો હોસ્ટેલ છોડીને ફરાર થઈ ગયા છે, જેમને ઝડપી લેવા માટે પોલીસે બે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર, ભાવનગર સરકારી મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો. અજયભાઈ જસમતભાઈ સેંતાએ ગત 20 જૂનના રોજ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ, ગત 1 માર્ચથી 14 જૂન 2026 દરમિયાન સર. ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે સૂત્રધાર ડો. વીર ઉર્ફે વિરેન્દ્રાસિંહ જાડેજા અને

તેની ટોળકીના અન્ય 6 સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયરોનું અમાનવીય રાગિંગ કરવામાં આવતું હતું. જુનિયર ડોક્ટરો સ્નાયુના દુખાવાથી બેભાન થઈ જાય ત્યાં સુધી તેમને કલાકો સુધી ઉભા રાખવામાં આવતા હતા. એટલું જ નહીં, રાત્રે 3 વાગ્યે બોલાવીને ઓ.ટી. અને વોર્ડની બહાર કુકડા-મૂરઘા બનાવીને તેમના ફોટા અને વીડિયો ઉતારવામાં આવતા હતા. નિલમબાગ પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસના મુખ્ય આરોપી અને લીડર ડો. વીર ઉર્ફે વિરેન્દ્રાસિંહ જાડેજા (રહે. ધ્રોલ, જામનગર) ઉપરાંત ડો. જયંત દેવાણી (રહે. રાજસ્થાન), ડો. પ્રવીણ વર્મા (રહે. ઉત્તર પ્રદેશ), ડો. ધર્મેન્દ્ર દયાળ (રહે. ભાવનગર), ડો. વિશાલ ડાભી (રહે. ઘોઘા, ભાવનગર), ડો. અમન વર્મા અને ડો. દિવ્ય મોદી (રહે. ભરૂચ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલમાં આ સાતેય સસ્પેન્ડેડ ડોક્ટરો પોલીસ નોટિસની બજવણી પૂર્વે જ ફરાર થઈ ગયા હોઈ, પોલીસની બે ખાસ ટીમો દ્વારા અલગ-અલગ રાજ્યો અને જિલ્લાઓમાં તેમના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક