જેસર અને ઘોઘામાં એક, તળાજામાં
પોણો ઇંચ વરસાદ વરસ્યો : અનેક વિસ્તારમાં પાણી ભરાયા, વીજળી પડતા બે પશુના મોત અને
વૃક્ષો ધરાશાયી
(ફૂલછાબ ન્યુઝ)
ભાવનગર, જેસર, તા.22 : ભાવનગર
શહેરમાં આજે બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી
ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ તોફાની એન્ટ્રી
કરી હતી. માત્ર ગણતરીના કલાકોમાં જ શહેરમાં બે ઇંચથી વધુ (55 મી.મી.) વરસાદ ખાબકી જતાં
સમગ્ર પંથકમાં પાણી-પાણી થઈ ગયું હતું. તેમજ જેસર સહિત આજુબાજુના ગામડામાં વાવણી લાયક
વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા. ચોમાસાના આ પ્રથમ ધમાકેદાર વરસાદને પગલે લાંબા
સમયથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા શહેરજનોને મોટી રાહત મળી હતી અને વાતાવરણમાં
ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી-મોન્સુન કામગીરીની
પોલ ખોલી નાખી હતી. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે ભરતનગર,
કાળીયાબીડ, ગાયત્રી નગર અને કુંભારવાડામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ભરતનગરના
વાળંદવાડી વિસ્તારમાં એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે
હાલાકીનો સામનો કરવો પડયો હતો. વરસાદની સાથે ફૂંકાયેલા જોરદાર પવનના કારણે શહેરમાં
અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા, જેમાં ભરતનગર વિસ્તારમાં 3 અને
કાળિયાબીડમાં 2 વૃક્ષ જમીનદોસ્ત થયા હતા. ભરતનગરની અભિષેક સોસાયટીમાં લીમડાના બે વિશાળ
વૃક્ષો તૂટી પડતા તેની નીચે પાર્ક કરેલા ચાર વાહનો અને એક લારી દટાઈ ગયા હતા. ઘટનાની
જાણ થતાં જ સામાજિક કાર્યકર ભરતભાઈ મોણપરા સહિતના લોકો દોડી ગયા હતા. આ ઉપરાંત, ચિત્રા
વિસ્તારમાં આકાશી વીજળી ત્રાટકતાં બે ભેંસના મોત નીપજ્યા હોવાના અહેવાલ સાંપડયા છે.
શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ઘોઘા, જેસર, ગારિયાધાર, તળાજા, મહુવા, ઉમરાળા અને શિહોરમાં છૂટોછવાયો અડધાથી એક ઇંચ
જેટલો વરસાદ નોંધાયો હતો. સરકારી આંકડા મુજબ સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં
55 મી.મી., ઘોઘામાં 21 મી.મી., જેસરમાં 17 મી.મી., તળાજામાં 13 મી.મી., સિહોરમાં 7
મી.મી., મહુવામાં 5 મી.મી. તેમજ ઉમરાળા અને ગારીયાધારમાં 1 મી.મી. વરસાદ નોંધાયો છે.
વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ આગોતરા વાવેતરને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
જેસરમાં માત્ર એક ઇંચ વરસાદમાં
પ્રિમોન્સુન કામગીરી ફકત કાગળ પર થઇ હતી તેવું જોવા મળ્યું હતું. વરસાદ પડતા જ વીજળી
ડૂલ થઇ ગઇ હતી અને ચાર કલાક બાદ વીજ પુરવઠો કાર્યરત થયો હતો.