ટ્રમ્પ વહીવટી તંત્રની ફીમાં 75 ટકાના તોતિંગ વધારાની તૈયારી: ભારતીયોને થશે સૌથી વધુ અસર
નવી
દિલ્હી, તા.23 : અમેરિકામાં નાગરિકતા મેળવવી હવે ઘણી મોંઘી બની શકે છે. ટ્રમ્પ વહીવટી
તંત્રે અરજી ફીમાં તોતિંગ વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. ફીમાં આશરે 75 ટકા વધારાની સાથે
જ ઓછી વય ધરાવનારા અરજદારોને અગાઉ આપવામાં આવતી ફી માફી અને છૂટને પણ સંપૂર્ણ રીતે
હટાવી લેવાની તૈયારી છે. અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગ (ડીએચએસ)ના આ પગલાંથી વિશેષ રીતે
ભારતીય મૂળના ગ્રીન કાર્ડ ધારકોને અસર પહોંચશે.
અમેરિકાના
સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઈએસ) દ્વારા પ્રસ્તાવિત નિયમ મુજબ, ફોર્મ
એન-400 (નાગરિકતા અરજી)ની ફી 760 ડોલરથી વધારીને 1330 ડોલર અને ઓનલાઈન અરજી માટે
710 ડોલરથી વધારીને 1280 ડોલર કરવામાં આવશે. એટલું જ નહીં, નાગરિકતા અસ્વીકૃતિની સમીક્ષા
માટે દાખલ કરવામાં આવતાં ફોર્મ એન-336ની ફી પણ 830 ડોલરથી વધારીને 1475 કરવાનો પ્રસ્તાવ
છે જે આશરે 78 ટકાનો વધારો સૂચવે છે.
પ્રસ્તાવ
અનુસાર એ આવેદકોની ફી માફીની સુવિધા પણ સમાપ્ત કરવામાં આવશે જેમની પારિવારિક આવક સંઘીય
ગરીબી રેખાના 400 ટકા અથવા તેનાથી ઓછી છે. આ સાથે જ વર્તમાનમાં ઉપલબ્ધ ઓછી ફીના વિકલ્પ
પણ હટાવી દેવામાં આવશે. જોકે અમેરિકાની સેનાના સભ્યોને આ છૂટ હજુ પણ મળતી રહેશે.