મૃતકોને પીએમ અર્થે પાટડી હોસ્પિટલ ખાતે ખસેડી ટ્રક ડ્રાઇવરને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
સુરેન્દ્રનગર, તા.23 : દસાડા
નજીક ગત મોડીરાત્રે ટ્રક અને ઓટો રિક્ષાના એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મૃત્યુ નીપજ્યાં
હતાં. મૃતકોમાં ટુવડ ગામના મેહુલભાઈ પટેલ, બળદેવભાઈ ઠાકોર અને કિરણભાઈ સિંઘવનો સમાવેશ
થાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરના
દસાડાના એછવાડા બસ સ્ટેન્ડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ સ્ટેન્ડ નજીક ટ્રક
અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ 3 લોકોનાં મૃત્યુ નીપજ્યાં
હતાં. જો કે અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક તંત્ર તાત્કાલિક ધોરણે
ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની
તજવીજ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આ અકસ્માત પહેલો
નથી. આ પ્રકારનો અકસ્માત થોડા દિવસ પહેલા પણ થયો હતો. જેમાં ટ્રેલરની અડફેટે 3 લોકોના
મૃત્યુ થયાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
ભારે વાહનો રસ્તા પર બેફામ ચાલતા
જતા હોવાથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો હોવાનું પણ જણાવ્યું છે. વારંવાર થતા અકસ્માતોને
રોકવા માટે હાઇ વે પર કડક નિયમો અને સુરક્ષા વ્યવસ્થાની માગ ઊઠી છે. હાલ પોલીસ દ્વારા
ટ્રક ચાલકને પકડવાની કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.