• બુધવાર, 24 જૂન, 2026

પાણીનાં ભાવે પેટ્રોલ આપશે પ્લાસ્ટિક!

પ્લાસ્ટિકના કચરામાંથી બનશે 32 રૂપિયાના ભાવે પેટ્રોલ-ડીઝલ : 100 કિલો પ્લાસ્ટિક કચરામાંથી બનાવ્યું 50 કિલો ઇંધણ : પ્રયોગમાં માઇલેજ આવી 60 કિ.મી.

વડોદરાની ગતિ શક્તિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓનો ક્રાંતિકારી શોધનો દાવો

વડોદરા, તા.23 : યુદ્ધ સહિતનાં કારણે સર્જાયેલી વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દુનિયાએ ઊર્જા કટોકટી કેટલું વિકરાળ રૂપ ધારણ કરી શકે તેનો અનુભવ હાલમાં જ કર્યો છે. તેમાં પણ ઇંધણ માટે આયાત ઉપર નિર્ભર ભારત જેવા દેશો માટે તો આ સ્થિતિ આંખ ઉઘાડનારી બની ગઈ છે. ઇંધણનાં વૈકલ્પિક સ્રોતો ઉપરાંત વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ વધારીને રાષ્ટ્રીય ખજાના ઉપરનો બોજ ઘટાડવાની તાતી જરૂરિયાત ઉભી થયેલી છે ત્યારે ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત પેટ્રોલમાં ઈથેનોલોનું મિશ્રણ વધારવાની દિશામાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતનાં આ પ્રયાસોને મોટો વેગ મળે તેવી એક શોધ ગુજરાતમાં થઈ છે. વડોદરાની ગતિ શક્તિ યુનિવર્સિટી(જીએસયુ)ના વૈજ્ઞાનિકોએ એક એવી ક્રાંતિકારી ટેકનોલોજી વિકસાવી છે જેના દ્વારા મિશ્ર પ્લાસ્ટિક કચરાને સફળતાપૂર્વક પેટ્રોલ અને ડીઝલ જેવાં ઇંધણમાં રૂપાંતરિત કરી શકાય છે.

વળી આ શોધ ફક્ત અભ્યાસ પત્ર કે પ્રયોગશાળા સુધી સીમિત નહીં રહેતા સફળ પરીક્ષણોમાં પણ પરિણમી છે. ભારતની અગ્રણી દ્વિચક્રી વાહન ઉત્પાદક કંપનીઓની ત્રણ મોટરસાયકલો આ પ્લાસ્ટિકમાંથી બનેલા પેટ્રોલ-ડીઝલથી ચલાવવામાં આવી હતી અને આ ઇંધણથી વાહન ચલાવવા માટે તેમાં કોઈ ફેરફારની આવશ્યકતા પણ પડી નહોતી. આ પ્રયોગમાં એક લોકપ્રિય 100 સીસીના બાઇકે પ્રતિ લિટર 60 કિમીની માઇલેજ આપી હતી જ્યારે સામાન્ય પેટ્રોલ પર તે 62 કિમી પ્રતિ લિટર આપે છે. ઉપરાંત, આ બાઇકો ત્રાહિત પક્ષ દ્વારા કરવામાં આવેલાં પ્રદૂષણ નિયંત્રણ પરીક્ષણોમાં પણ પાસ થઈ હતી અને ઉત્સર્જન નિર્ધારિત મર્યાદાની અંદર રહ્યું હતું.

સૌથી ખાસ વાત એ છે કે વૈજ્ઞાનિકો જેને ‘પ્લાસ્ટો-પેટ્રોલ’ કહે છે, તેની કિંમત હાલના પેટ્રોલના ભાવની સરખામણીએ લગભગ એક તૃતિયાંશ છે. દર 100 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરામાંથી લગભગ 50 કિલોગ્રામ ઉપયોગી ઇંધણ મળે છે. કાચા ફ્યુઅલ ઓઇલનું ઉત્પાદન આશરે 24 રૂપિયા પ્રતિ લિટરના ખર્ચે થઈ શકે છે જ્યારે અપગ્રેડ કરાયેલાં ઇંધણનો ખર્ચ લગભગ 32 રૂપિયા પ્રતિ લિટર આવે છે. સંશોધકોનું માનવું છે કે આ ઇંધણ પરંપરાગત ઇંધણની સરખામણીએ લગભગ 90% સમકક્ષ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી ચૂક્યું છે.

આ પ્રોજેક્ટનું નેતૃત્વ ડૉ. વેંકટ ચિંતાલા કરી રહ્યા છે. જેની શરૂઆત લગભગ દસ વર્ષ પહેલાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા એક પ્રોજેક્ટથી થઈ હતી. 2020માં જીએસવીમાં જોડાયા પછી તેમણે પ્લાસ્ટો ફ્યુઅલ્સ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી અને પ્રયોગશાળાના સંશોધનને વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે કચરા વ્યવસ્થાપન કેન્દ્રમાં પાઇલટ પ્રોજેક્ટ સુધી પહોંચાડયો હતો.

ડૉ. ચિંતાલાનાં કહેવા અનુસાર મોટાભાગની ટેકનોલોજીઓ અલગ-અલગ કરાયેલા પ્લાસ્ટિક પર કામ કરે છે, પરંતુ વાસ્તવિક દુનિયામાં કચરો મિશ્ર અને પ્રદૂષિત હોય છે. અમે એવી પ્રક્રિયા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે આવા કચરાને પણ સંભાળી શકે અને સાથે ઇંધણની ગુણવત્તા જાળવી રાખે.

વડોદરા રેલવે યાર્ડ નજીક આવેલી પાઇલટ સુવિધામાં દરરોજ લગભગ 1.8 ટન પ્લાસ્ટિક કચરા ઉપર આ પ્રોસેસ કરવામાં આવે છે. મ્યુનિસિપલ ડમ્પ યાર્ડ, લેન્ડફિલ સાઇટ્સ અને રેલવે સંસ્થાઓમાંથી એકત્ર કરાયેલા પ્લાસ્ટિકને પેટન્ટ પ્રાપ્ત થર્મલ કન્વર્ઝન પ્રક્રિયા દ્વારા ફ્યુઅલ ઓઇલમાં અને ત્યારબાદ પેટ્રોલ તથા ડીઝલ-ગ્રેડ ઇંધણમાં ફેરવવામાં આવે છે. આ ટેકનોલોજીની ક્ષમતા એટલી મોટી છે કે વિશ્વપ્રસિદ્ધ વિમાન ઉત્પાદક કંપની એરબસ પણ જીએસવી સાથે મળીને મ્યુનિસિપલ કચરામાંથી સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (એસએએફ) વિકસાવવા માટે કામ કરી રહી છે. જીએસવીના કુલપતિ મનોજ ચૌધરી વિવિધ મંત્રાલયો, જેમાં રેલવે અને સંરક્ષણ મંત્રાલયનો સમાવેશ થાય છે, સાથે દેશભરમાં આ પ્રોજેક્ટને વિસ્તૃત કરવા માટે ઉચ્ચસ્તરની ચર્ચાઓ કરી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક