• મંગળવાર, 23 જૂન, 2026

આફ્રિકા સામેની હારથી મહિલા ટીમની સેમિ ફાઇનલ રાહ કઠિન

- ભારત અને આફ્રિકા માટે વિશ્વ કપના બાકીના બે લીગ મેચ નોકઆઉટ સમાન

 નવી દિલ્હી, તા.22: મહિલા ટી-20 વિશ્વ કપમાં ઉપરાઉપરી બે જીત બાદ ભારતની વિજય રફતાર પર દ. આફ્રિકાએ લગામ કસી હતી. માંચેસ્ટરમાં ગઇકાલે રમાયેલા ત્રીજા લીગ મેચમાં ભારતીય ટીમનો દ. આફ્રિકા સામે 6 વિકેટે આંચકારૂપ પરાજય થયો હતો. આથી ભારતની સેમિ ફાઇનલની રાહ કઠિન બની છે. હાર છતાં ભારતીય ટીમ ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને છે જ્યારે આફ્રિકા ત્રીજા સ્થાને છે. બન્ને ટીમ 2-2 મેચ પછી 4-4 અંકની બરાબરી પર છે. ભારતીય મહિલા ટીમનો નેટ રન રેટ પ્લસ 2.પ11 છે જ્યારે આફ્રિકાનો માઇનસ 0.પ11 છે.

હરમનપ્રિત કૌરની ટીમના હવે બે લીગ મેચ બાકી છે. ગુરૂવારે બાંગલાદેશ સામે રમવાનું છે. જેમાં હર હાલમાં જીત મેળવવી પડશે અને નેટ રન રેટ પર જાળવી રાખવો પડશે. આ પછી રવિવારે મજબૂત ઓસ્ટ્રેલિયા સામે ટકકર થશે. જો આ બન્ને મેચમાં ભારતની જીત થશે તો સેમિ ફાઇનલમાં લગભગ પ્રવેશ થશે. આ સામે આફ્રિકાના હવે પછીના બે મેચ નબળી ગણાતી ટીમ નેધરલેન્ડ અને બાંગલાદેશ સામે છે. આથી તેની પાસે બન્ને મેચ જીતી સેમિમાં પહોંચવાની સારી તક છે. આથી ભારત અને આફ્રિકા માટે બાકીના બન્ને મેચ નોકઆઉટ જેવા છે.

ઇ-પેપરના નવા શુલ્ક