‘દેડિયાપાડા વિસ્તારમાં વનવિભાગની જમીન સંબંધિત એક જૂના કેસમાં સેસન્સ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો : ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે લવાયા
અમદાવાદ,
તા. 23 : નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વનવિભાગની જમીન સંબંધિત એક જૂના કેસમાં
આજે રાજપીપળા સેસન્સ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેના કારણે ગુજરાતના રાજકારણમાં
ગરમાવો વ્યાપી ગયો છે. કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની
સહિત કુલ 9 આરોપીને આ કેસમાં દોષિત જાહેર કરીને 7 વર્ષની કેદ અને રૂ.25 હજારનો દંડ
ફટકાર્યો છે. આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે
જોડાયેલો છે. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર એવો આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને
પોતાના ઘરે બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમની સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં,
સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયારિંગ કરીને કર્મચારીઓને જાનથી મારી નાખવાની
ધમકી આપવાના ગંભીર આક્ષેપો પણ તેમની સામે સાબિત થયા છે. આ વિવાદાસ્પદ ઘટના બન્યા બાદ
ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ સામેથી
પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. લાંબી કાનૂની પ્રક્રિયા અને ટ્રાયલ બાદ કોર્ટે આ મહત્ત્વનો
ચુકાદો આપ્યો છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૈતર વસાવા અને તેમની પત્નીને વડોદરાની
મધ્યસ્થ જેલ ખાતે લાવવામાં આવ્યાં હતાં.
----------------
વસાવાનું
ધારાસભ્યપદ જોખમમાં !
વિધાનસભાના
ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, દેશમાં ધારાસભ્યો અને સાંસદો માટે આચારસંહિતા
તથા કાયદાકીય નિયમો સ્પષ્ટ રીતે નક્કી કરાયેલા છે અને કોર્ટના ચુકાદાને સર્વોપરી માનવામાં
આવે છે. જો કોઈ ધારાસભ્યને બે વર્ષથી વધુની સજા ફટકારવામાં આવે તો તે ધારાસભ્ય તરીકે
ગણાશે નહીં અને તેની બેઠક ખાલી ગણાશે. આ મામલે લીગલ વિભાગ તરફથી વિધાનસભા અધ્યક્ષને
દરખાસ્ત મોકલવામાં આવશે, ત્યારબાદ બેઠક ખાલી કરવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે.
આ મુદ્દે ‘આપ’ ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવા ક્યારેય ઝૂકવાના
નથી, અમારી સુપ્રિમ કોર્ટમાં વકીલોની ટીમ સક્રિય છે, ગુજરાત હાઈકોર્ટમાં વકીલોની ટીમ પણ કાર્યરત છે અને અમે પણ સક્રિય છીએ.જામજોધપુર-લાલપુર વિસ્તારના
ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, ચેતર વસાવાના અવાજને દબાવવાનું સત્તાધારી પક્ષનું
વલણ ક્યારેય સફળ થશે નહી તેઓએ આ કાર્યવાહીને
રાજકીય દ્રેષભાવથી પ્રેરિત ગણાવી હતી. ઉલ્લેખનીય
છે કે, હવે વસાવા પાસે હાઈકોર્ટમાંથી આ સજા ઉપર સ્ટે મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો
નથી.