• બુધવાર, 24 જૂન, 2026

એમ્બાપેના 2 ગોલથી ફ્રાંસ રાઉન્ડ-32માં : ઇરાક સામે 3-0થી જીત સેનેગલ સામે નોર્વેનો 3-2થી અને જોર્ડન વિરુદ્ધ અલ્જીરિયાનો 2-1થી વિજય

ફિલાડેલ્ફિયા, તા.23 : ફીફા વર્લ્ડ કપનો 12મો દિવસ રોમાંચક બની રહ્યો હતો. મેસ્સીના રેકોર્ડબ્રેક બે ગોલથી ઓસ્ટ્રિયા સામે જીત મેળવી ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાનો રાઉન્ડ-32માં પ્રવેશ થયો હતો. ફ્રાંસના સ્ટાર ખેલાડી કિલિયન એમ્બાપેએ પણ બે ગોલ કર્યા હતા. આથી ઇરાકને 3-0થી હાર આપી ફ્રાંસ પણ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી છે જ્યારે 1998 બાદ પહેલીવાર વર્લ્ડ કપ રમી રહેલ નોર્વે ટીમે સતત બે જીત સાથે નોકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. દિવસનો આખરી મેચ અલ્જિરિયા અને જોર્ડન વચ્ચે રમાયો હતો. જેમાં અલ્જિરિયાનો 2-1 ગોલથી વિજય થયો હતો. પોતાનો 100મો ઇન્ટરનેશનલ મેચ રમી રહેલ એમ્બાપેએ બે ગોલ કરીને ઇરાક વિરુદ્ધ ફ્રાંસને 3-0થી જીત અપાવી હતી. આ મેચમાં વરસાદ અને આંધીને લીધે હાફ ટાઇમ પછી બે કલાક સુધી રમત અટકી ગઈ હતી. ફ્રાંસ તરફથી ત્રીજો ગોલ ડેમ્બેલે કર્યો હતો.

ગ્રુપ આઇના નોર્વે અને સેનેગલ વચ્ચેના મેચમાં કાંટે કી ટક્કર થઈ હતી. રસાકસી બાદ નોર્વેએ 3-2થી રોમાંચક જીત મેળવી રાઉન્ડ-32માં જગ્યા બનાવી હતી. નોર્વે તરફથી અર્લિંગ હોલેંડે બે ગોલ કર્યા હતા. તેણે 48 અને પ8મી મિનિટે ગોલ કર્યા હતા. 43મી મિનિટે માર્કસ પેડરસને ગોલ કર્યો હતો. સેનેગલ તરફથી પ3મી મિનિટે અને 93મી મિનિટે ગોલ થયા હતા.

ગ્રુપ જીના મેચમાં જોર્ડન સામે અલ્જિરિયાની 2-1થી રોચક જીત થઈ હતી. આથી તેના 2 મેચમાં 3 પોઇન્ટ થયા છે અને નોકઆઉટ રાઉન્ડની આશા જીવંત રહી છે. ઓસ્ટ્રિયા પણ 3 અંક સાથે રેસમાં છે. આ ગ્રુપમાં આર્જેન્ટિના (6) નોકઆઉટ રાઉન્ડમાં ક્વોલીફાય થઈ ચૂકી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક