- સૂરતમાં 126, રાજકોટમાં 125, અમદાવાદમાં 80 સ્થળોએ આગ લાગતાં ફાયર બ્રિગેડ દોડયું
-
રાજકોટમાં જૂના એરપોર્ટમાં
રોકેટ પડતાં આગ પ્રસરી, એક કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો : સૂરતમાં અઢી
વર્ષની બાળકી સહિત પરિવારના પાંચ સભ્યોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ
સૂરત,
રાજકોટ, અમદાવાદ, તા.21 : દિવાળી પર્વની રાત્રે સમગ્ર રાજ્યમાં ફટાકડાની આતશબાજીને
કારણે ઠેર ઠેર આગના બનાવો બન્યા હતા. સુરત, રાજકોટ અને મહેસાણા જેવા મોટા શહેરોમાં
ફાયર બ્રિગેડના કોલમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો તેવા પ્રાપ્ત એક સંયુક્ત અહેવાલમાંથી
જાણવા મળ્યું હતું.
સુરતમાં
એકલા હાથે 126 સ્થળોએ આગની ઘટનાઓ નોંધાઈ હતી જ્યારે રાજકોટમાં 125 જગ્યાએ આગ લાગવાના
બનાવો બન્યા હતા, જેમાં બે બાઈક અને એક કાર સળગી ઊઠી હતી. મહેસાણા શહેરમાં પણ રાધનપુર
રોડ, સોમનાથ રોડ અને કસ્બા સહિત ત્રણ સ્થળોએ કચરાના ઢગલાઓમાં આગ લાગી હતી, જેને મનપાએ
કાબૂમાં લીધી હતી.
સુરત
: સુરતમાં દિવાળી પર્વે ફાયર વિભાગને કુલ
126 આગના કોલ મળ્યા હતા, જેના લીધે ફાયર વિભાગના જવાનો દિવસ-રાત દોડતા રહ્યાં હતાં.
જો કે આગની તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા
ફાયર કંટ્રોલ સેન્ટર પરથી સમગ્ર શહેરની પરિસ્થિતિનું ખાસ મોનિટારિંગ કરવામાં આવ્યુ
હતુ. ફાયર વિભાગના 1200થી વધુ જવાનોએ શહેરના નાગરિકોની સુરક્ષા માટે અવિરત ફરજ બજાવી
હતી. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ મોડીરાત્રે અચાનક જ
મનપાના ફાયર કંટ્રોલ રૂમ પર પહોંચ્યા હતા અને ત્યાંની કામગીરીનુ નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યત્વે
આગ લાગવાના બનાવોમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા
મમતા મંડપ અને માતોશ્રી મેરેજ હોલમાં ફટાકડાને કારણે આગ લાગી હતી, જેના પગલે ત્યાં
હાજર લોકોમાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી તેમજ સરથાણા વિસ્તારમાં એન્થમ સર્કલ પાસે
રોડ પર વેચાતા ફટાકડાના સ્ટોલમાં આગ લાગતા એક પછી એક ધડાકાઓ થયા હતા, ઉધના વિસ્તારમાં
એક મકાનના ત્રીજા માળે આગ લાગવાનો કોલ મળતા ફાયરની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. ઉપરાંત
પર્વત પાટિયા વિસ્તારના જલારામ નગર ખાતે એક મકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગે ત્વરિત
કાર્યવાહી કરીને આ આગમાંથી અઢી વર્ષની બાળકી સહિત પરિવારના પાંચ સભ્યોનું સફળતાપૂર્વક
રેસ્ક્યૂ કર્યું હતું. કતારગામ વિસ્તારમાં આવેલ હાથી મંદિર પાસે આવેલી ક્રિષ્ના રેસીડેન્સીના
મુખ્ય ગેટ પર ભીષણ આગ લાગતા અફરાતફરીનો મચી જવા પામી હતી.
રાજકોટ,
દિવાળીની રાત્રીએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડવાના કારણે આગ લાગવાના બનાવો
ગત વર્ષની તુલનાએ વધ્યાં હતાં. ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમના જણાવ્યાનુસાર શહેરમાં કુલ
125 સ્થળે નાની-મોટી આગ દુર્ઘટના સર્જાઈ હતી જેને ઠારવા માટે મનપાનો ફાયર વિભાગ સતત
ખડેપગે રહ્યો હતો.
સૌથી
મોટી આગ દુર્ઘટના જૂના એરપોર્ટમાં સર્જાઈ હતી. અહીં રોકેટ પડવાના લીધે સુકુ ઘાસ સળગી
જતાં આગ પ્રસરી હતી, આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં તાબડતોબ બે ફાયરફાઈટર
મોકલવામાં આવ્યાં હતાં અને એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો અન્ય
એક બનાવમાં નાનામવા વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે એક 20 માળના નવનિર્મિત બિલ્ડિંગમાં
20મા માળે રોકેટ પડવાથી આગ લાગી હતી. સદ્દભાગ્યે ત્યાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ
ટળી હતી. ફાયરબ્રિગેડે ગણતરી મિનિટોમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.
ગોંડલ
રોડ ઉપર લાઠિયા મોટર્સમાં ફટાકડાને લીધે એક ગાડીમાં આગ લાગી હતી. કાલાવડ રોડ ઉપર શ્રીરામ
બ્રિજ ઉપર એક એક્ટિવા સળગ્યું હતું તેમજ અમીન માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે એક હોન્ડા
સળગ્યું હતું. અલબત્ત, આ બન્ને બનાવોમાં ફટાકડા જવાબદાર છે કે કેમ ? તે પોલીસ તપાસનો
વિષય છે. અન્ય નાના-મોટા બનાવો કચરાપેટી તેમજ ખુલ્લા પ્લોટમાં આગ લાગવાના છે.
ઉલ્લેખનીય
છે કે, ગત વર્ષે શહેરમાં 78 જેટલા સ્થળોએ આગ લાગી હતી. આ વખતે આંકડો 125 આસપાસ જઈ પહોંચ્યો
છે. આગ લાગવાના બનાવો વધ્યાં છે તો સાથોસાથ આગ ઉપર કાબૂ લેવા માટે મનપાનું ફાયર તંત્ર
પણ સજ્જ છે. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમીત દવેના માર્ગદર્શન હેઠળ 28 ફાયરફાઈટરો સાથે
400 જણાનો સ્ટાફ કોઈપણ દિવસ રાત જોયા વગર કોઈપણ પ્રકારની વિકટ પરિસ્થિતિનો સામનો કરવા
માટે ખડેપગે છે.
અમદાવાદ
: અમદાવાદ શહેરમાં દિવાળીની સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં આગ લાગવાના
80 જેટલા બનાવો નોંધાયા હતા, જેમાં પીરાણા પીપળજ રોડ પરની દોરા બનાવતી ફેક્ટરીમાં લાગેલી
આગમાં ફાયર બ્રિગેડે એક વ્યક્તિને બેભાન હાલતમાં બચાવી લીધો હતો. આગની આ ઘટનાઓમાં સૌથી
મોટું નુકસાન ગોડાઉનો અને વેરહાઉસોમાં જોવા મળ્યું હતું, જ્યાં ફટાકડાના તણખા પડતાં
વિકરાળ આગ લાગી હતી. વડોદરાના તરસાલી વિસ્તારમાં ફરાસખાનાના ગોડાઉનમાં ફટાકડાથી આગ
લાગી, જેના કારણે લાખો રૂપિયાના માલસામાનને નુકસાન પહોંચવાની આશંકા છે. આ આગની જ્વાળાઓ
બે કિલોમીટર દૂર સુધી દેખાતી હતી.
પોરબંદરમાં
14 સ્થળે આગની દુર્ઘટના
પોરબંદરમાં
દિવાળીના તહેવાર અનુસંધાને હજારો લોકોએ ફટાકડાની આતશબાજી કરી હતી જેથી આગના અનેક બનાવ
બન્યાં હતાં. પોરબંદરની ફાયરબ્રિગેડની ટીમે સતત દોડધામ કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડના અધિકારી અભય મહેતાના જણાવ્યાનુસાર આગ લાગવાના નાના-મોટા કુલ 14 બનાવ
નોંધાયાં હતાં જેમાં ફાયરબ્રિગેડ વિભાગની સ્ટેન્ડબાય ટીમોએ આ તમામ કોલ એટેન્ડ કરીને
આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પોરબંદરના જલારામ કોલોની ચોપાટી ઉપર દિવાળીના રાત્રીએ અનેક
ઈસમોએ છાકટા બનીને આડેધડ ફટાકડા ફોડયાં હતાં.
જામનગરમાં
30 સ્થળે લાગી આગ
જામનગર,
તા. 21, જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગવાના
30 જેટલા બનાવો નોંધાયા હતા, જેના પગલે જામનગર મહાનગરપાલિકાનું ફાયરતંત્ર આખી રાત દોડતું
રહ્યું હતું. સદ્ભાગ્યે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે મોટી
નુકસાનીના અહેવાલો મળ્યા નથી. આગની મુખ્ય ઘટનાઓમાં
રાત્રે 1:10 વાગ્યે ન્યૂ સ્કૂલ પાસે આવેલા એક બિલ્ડિંગના ચોથા માળે આવેલા જીમમાં આગ
લાગી હતી, જ્યાં ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. તો રાત્રે
2:42 વાગ્યે મોરકંડા ઘાર પાસે એક દુકાનમાં આગ લાગી હતી, જ્યાં સમયસરની કાર્યવાહીથી
નુકસાની થતી અટકી હતી. જ્યારે રાત્રે 2:35 વાગ્યે જે.જે. ટાવર પાસે એક મકાનમાં લાગેલી
આગને પણ સમયસર કાબુમાં લઈ લેવામાં આવી હતી.જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના
ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈની આગેવાનીમાં 120થી વધુ ફાયરના જવાનોએ રાત્રિભર એલર્ટ
મોડમાં રહીને જુદા જુદા ફાયર ફાઇટર સાથે દોડી જઈને તમામ 30 સ્થળો પર આગ બૂઝાવવાની કામગીરી
કરી હતી.