• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

માવઠાથી ખેડૂતોની માઠી : ડોળાસા 4.25, સૂત્રાપાડા 4, દિવ 3, સાવરકુંડલામાં 1 ઇંચ

તૈયાર મગફળી-સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ અને પશુનો ઘાસચારો પલળી ગયો :  ખેડૂતોને મોટું નુકસાન

 

રાજકોટ, તા.26: સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ચોમાસાની સતાવાર વિદાય થઇ ગઇ છે અને દિવાળીનો તહેવાર પણ પૂર્ણ થયો છે. ત્યારે શિયાળા પગરવ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે. આ માવઠા રુપી વરસાદના કારણે ખેડૂતોની માઠી બેઠી છે. તાલાલા અને કોડિનાર પંથકમાં છેલ્લા 20 કલાકથી અવિરત વરસાદ વરસતા ખેતી પાકને ભારે નુકશાન થયું છે. તેમજ ડોળાસા 4.25, સૂત્રાપાડા 4, સાવરકુંડલા 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. એક બાજુ અત્યારે મગફળી, સોયાબીન ખેતરમાં તૈયાર પડયા છે ત્યારે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. અરે પશુ માટેનો ઘાસચારો પણ પલળી ગયો હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  નવરાત્રી સમયે પણ પાછોતરા વરસાદના કારણે ભારે નુકસાન થયું હતું અને હવે આ માવઠાના કારણે ખેડૂતો પર આભ ફાટયું છે. આ માવઠાના મારમાંથી બહાર નીકળવા ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માગણી કરી રહ્યા છે. 

સાવરકુંડલા : શહેર અને તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે એકાદ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. સાવરકુંડલા તાલુકાના દેતડ ગામ સહિત તાલુકાના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટું પડતાં ખેડૂતો ચિંતિત બન્યા છે આ વરસાદને કારણે ચોમાસુ મગફળી કપાસ અને તુવેર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ગત રાત્રે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, ખાંભા, જાફરાબાદ, ધારી, બગસરા, વડિયા સહિતના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ પડતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને મગફળીના પાથરા ખેતરોમાં તૈયાર હતા અને વરસાદે ખેડૂતોની મગફળી પશુઓ માટેનો ઘાસચારો બગાડી નાખ્યો છે. આ ઉપરાંત કપાસમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાય માગી રહ્યા છે.

લોઢવા : ગત રાત્રીના પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દિવસથી સૂત્રાપાડામાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તાલુકાના અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા પાક બગડી ગયો છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ધારાસભ્ય ભગવાન બારડએ સુત્રાપાડા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. ખેતરોની વાસ્તવિક સ્થિતિ નિહાળી અને ખેડૂતો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ વિશે માહિતી મેળવી.અને જણાવ્યું હતું કે વરસાદથી અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. સરકાર સમક્ષ આ મુદ્દે યોગ્ય રજૂઆત કરવામાં આવશે. હું વ્યક્તિગત રીતે ગાંધીનગર જઈને પણ  રજૂઆત કરીશ. તાલુકા અને જિલ્લા પ્રશાસનને પણ તાત્કાલિક સર્વે કરીને નુકસાનગ્રસ્ત ખેડૂતોની યાદી તૈયાર કરવા તથા રાજ્ય સરકાર સમક્ષ સહાય માટેના પ્રસ્તાવ મોકલવા સૂચના આપી.

કોડિનાર: કોડિનાર તાલુકામાં ગઈ રાત્રિએ જાણે વાતાવરણમા અચાનક જ બદલાવ આવતા વરસાદે દસ્તક આપી હતી. ખેડૂતો માટે આ વરસાદ કોઈ રાહત નહીં પરંતુ નવા સંકટની શરૂઆત સમાન સાબિત થઈ રહ્યો છે. ખેતરમાં મગફળી, સોયાબીન અને અન્ય પાક પર વરસાદી ઝાપટાં પડતા નુકસાનની ભારે ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

જૂનાગઢ : જિલ્લામાં ખરીફ મોસમ સમેટવા ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સારા વરસાદને કારણે પાક ઉત્પાદન સારું હોય જગતાતના ચહેરા ઉપર નવો ઉત્સાહ છવાયો હતો. તહેવારની પરવા કર્યા વગર કિસાનો પાકને સમેટવાના કામમાં પરોવાયા છે. આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા  ચક્રવાત સાથે સાપ્તાહિક વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ સોરઠના આકાશમાં સવારથી વરસાદી વાદળો ઘેરાયા હતા અને મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાથી અડધો ઇંચ પાણી પડતાં લોકો અચંબામાં મુકાયા હતા. કિસાનો પોતાના તૈયાર પાકને બચાવવા ની વ્યવસ્થામાં પરોવાયો છે. કિસાનોને મોઢે આવેલ પાકરુપી આજીવિકા વરસાદથી સુરક્ષિત રાખવા ધમપછાડા કરી રહ્યા છે.

ડોળાસા: અચાનક કમોસમી વરસાદ થી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જણસ સચવાની ઉપાધી તો છેજ ..! પણ સાથે મૂંગા માલઢોરની નીરણ સાચવવાનું આટલુ જ જરૂરી છે. અનેક ખેડૂતોએ મગફળી, સોયાબીનના પાક ઉપર આથર ઢાંકી ખેતરમાં રાખી દીધો છે. પણ ઢોરની નીરણને ટ્રેક્ટરમાં ભરી ઓવરબ્રિજ નીચે, પીઠડ માતાજીના મંદિરના વિશાળ છાપરા નીચે સહિત અનેક સલામત સ્થળોએ રાખી ચારો પલળી ન જાય તેની કાળજી લેવી પડી છે. ગત તા.25 રાત્રી ના અગિયાર વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી ધોધમાર પડયો હતો. તા.26 આખો દિવસ ધીમીધારે પડયો હતો. આ દરમિયાન 108 મી.મી.( સવા ચાર ઇંચ ) થયો છે. આ વરસાદથી મગફળી, સોયાબીન, કપાસ અને કઠોળના પાકને પણ ભારે નુકસાની થઈ છે. ખેતરોમાં અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

તાલાલા ગીર: પંથકમાં શનિવાર રાત્રિના 11:00 કલાકે શરૂ થયેલો વરસાદ 20 કલાકથી અવિરત વરસી રહ્યો છે જે હજી પણ ચાલુ હોય ખેડૂતો ચિંતામય બની ગયાં છે. તાલાલા પંથકમાં હજી 30 ટકા જેટલો મગફળીનો તૈયાર પાકના પાથરા ખેડૂતોના ખેતરમાં પડયા છે. આ ઉપરાંત 15 ટકા જેટલો સોયાબીનનો પાક ખેતરમાં હોય અવિરત વરસી રહેલા કમોસમી વરસાદે ખરીફ પાકનો સોંથ વાળી નાખ્યો છે. આ ઉપરાંત અવિરત વરસાદથી પશુઓનો ઘાસચારો પણ સંપૂર્ણ નાશ પામે તેવી ભિતી વ્યક્ત થઈ રહી છે. સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું સરવે કરાવવા મુખ્યમંત્રીને પત્ર લખી માગણી કરી છે. કમોસમી વરસાદે મગફળી,સોયાબીન વિગેરે ખરીફ પાકને પારાવાર નુકસાન કર્યું છે. આ ઉપરાંત માલઢોર માટે ચારો પણ સંપૂર્ણ ડેમેજ થયો હોય ખેડૂતોને ડબલ આર્થિક નુકસાન થયું છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હોય પડી ભાંગેલ ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બચાવવા ખૂબ જ જરૂરી છે માટે કમોસમી વરસાદથી ખેડૂતોની તૈયાર ફસલને થયેલ નુકસાનીનું સર્વે કરાવી ખેડૂતોને થયેલી નુકસાનીનું વળતર આપવા આર્થિક સહાય પેકેજ જાહેર કરવા પત્રમાં માંગણી કરી છે.

તળાજા: શહેર અને તાલુકામા ગઈકાલ રાત્રીના આઠેક વાગ્યાથી વાતાવરણમા પલટો આવ્યો. હાથીયા નક્ષત્રએ ખેડૂતોને વીસેક ટકા નુકસાની આપી હતી. તેવા માહોલ વચ્ચે ગતરાત્રે ઝરમર સ્વરૂપે શરૂ થયેલા માવઠાએ ખેડૂતોની દશા વધુ બગાડી નાખી છે. આખી રાત ઝરમર સ્વરૂપે માવઠું વરસ્યું હતું. વરસાદી માહોલની અસર સૂર્યના કિરણો ઉપર પડી હતી. વાદળછાયા વાતાવરણને પગલે સવારના 6.30 કલાકે અંધારી રાત જેવો માહોલ હતો. ખેડૂત અગ્રણી હરજીભાઈ ધાંધલિયાએ જણાવ્યું હતું કે માવઠાએ ખેડૂતોને મોટું નુકસાન પહોચાડયું છે. કપાસ, મગફળી અને પશુના ચારાને ભારે નુકસાન થયું છે. તેમજ સતત વરસાદી વાતાવરના કારણે ડુંગળીના પાકને પણ નુકશાન થયું છે. માર્કાટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો લાભ પાચમ અવસરે તમામ વેપારીઓ મુહૂર્તના સોદા પાડતા હોય છે. રવિવાર અને યાર્ડ બંધ હોવાના કારણે સોદા પાડયા ન હતા. આવતીકાલે સોમવારે યાર્ડ ખુલતા સોદા પડશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું.

વડોદરા: શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાતરકમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ જોવા મળ્યો છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં વહેલી સવારે અચાનક વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને ઝરમર વરસાદ વરસ્યો હતો. શિયાળાની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ‘અષાઢી માહોલ’ સર્જાયો હતો. સયાજીગંજ, રાવપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં લાભ પાંચમના દિવસે ધંધાની શરૂઆત કરતા વેપારીઓમાં ચિંતા જોવા મળી હતી.

 

દિવ: શનિવાર રાત્રીથી કમોસમી વરસાદ શરુ થયો હતો જે આજે સાંજ સુધીમાં 3 ઇંચ જેટલો વરસ્યો હતો.

 

અરબ સાગરમાં ઉદ્ભવેલી સિસ્ટમ ઓમાન તરફ ફંટાવાની શકયતા, ગુજરાતમાં હજુ વરસશે વરસાદ ગુજરાતમાં નવું વર્ષ શરૂ થઇ ચૂક્યું છે પરંતુ અત્યારે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. જો કે, અરબ સાગરમાં ઉદ્ભવેલી સિસ્ટમ જે ગુજરાત પર પસાર થઇ રહી હતી તેને હવે પશ્ચિમ તરફ વળાંક લેતા તે સિસ્ટમ ઓમાન તરફ ફંટાય તેવી શકયતા જોવાઇ રહી છે. જો કે આ સિસ્ટમની હજુ પણ અસર ગુજરાત પર વર્તાશે. આ સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઇ રહી છે. આ સિસ્ટમના કારણે  સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હજુ પણ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ છૂટછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના આંકલન મુજબ, 27 અને 28 ઓક્ટોબર 2 દિવસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે. આ સિસ્ટમ ઓમાન તરફ વળાંક લઇને નીચે તરફ જતી રહેશે તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે. જો કે આ સિસ્ટમના કારણે આગામી આખું સપ્તાહ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. બીજી તરફ, જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠું)ને લઈને ચિંતાજનક આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, 30 ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, 2 નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટાં પડવાની પણ સંભાવના છે. વધુમાં જણાવ્યું કે નવેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક નવી ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને તેની અસર રૂપે 18 નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ શકે છે.

 

જાનિંગ ઉદ્યોગકારો પણ તકલીફમાં

 

સફેદ હાથી સમો જાનિંગ ઉદ્યોગ એક સમયે તળાજામાં ચરમસીમાએ હતો. એકી સાથે 32 જેટલી ફેકટરીઓ અહીં ધમધમતી હતી. અહીંના ઉદ્યોગકારો સો દોઢસો કિમિ દૂર કપાસ ખરીદી માટે જતા હતા. આ ઉદ્યોગને પણ હવે લૂણો લાગ્યો છે. અનેક ફેક્ટરીઓ બંધ પડી છે, અનેક વેચાઈ ગઈ છે, અનેક માથે બેન્ક લોન છે. જાનિંગ ઉદ્યોગકારો નવરાત્રિ સમયગાળામાં નવો કપાસ ખરીદીને ફેક્ટરીઓ શરૂ કરી દેતા.

દિવાળીએ બે પાળીમાં કામ થતું. તળાજાની બજારમાં કપાસના કરોડો રૂપિયા ફરવા લાગતા હતા. આ વખતે દશા જુદી છે. જાનિંગ ઉધોગ સાથે સંકળાયેલા વિક્રમભાઈ ચૌહાણ(સરતાનપર)એ જણાવ્યું હતું કે આજે લાભ પાંચમે મુહૂર્ત કરવાનું હતું ત્યાં વરસાદી માહોલને લઈ ફેકટરી શરૂ કરી શકાય નહીં. માત્ર મુહૂર્ત સાચવીશું. 

 

કેરીના પાકનું ચિત્ર ધૂંધળું

 

તાલાલા પંથકમાં છેલ્લા 20 કલાકથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેત ઉત્પાદનને અકલ્પનીય નુકસાન ઉપરાંત કેસર કેરીના પાકનું ચિત્ર ધૂંધળું કરી નાખ્યું છે. કમોસમી વરસાદ પહેલાં નવેમ્બર માસમાં આંબામાં મોર આવે તેવી સ્થિતિ કેસર કેરીના ઉત્પાદક કિસાનો નિહાળી રહ્યાં હતાં. પરંતુ માવઠાનાં વરસાદે કેરીના પાકની સ્થિતિ અનિશ્ચિત કરી નાખી હોય તેવી ભિતી ઉભી થઇ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક