• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

8 હજાર શાળા છાત્ર વિહિન : શિક્ષકો 20 હજાર

મંત્રાલયના ચોંકાવનારા આંકડા : 33 લાખ છાત્રો એક શિક્ષક ધરાવતી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે

 

નવી દિલ્હી, તા. 26 : દેશભરમાં 2024-25ના શૈક્ષણિક સત્ર દરમિયાન અંદાજીત 8,000 શાળામાં એક પણ છાત્રનું એડમિશન થયું નથી. સત્તાવાર આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 3812 શાળા એવી છે જેમાં શુન્ય પ્રવેશ થયો છે. ત્યારબાદ તેલંગણ 2,245 શાળા સાથે બીજા ક્રમાંકે છે. જે શાળામાં એડમિશન જ નથી થયું તેમાં 20,817 શિક્ષક તૈનાત હતા. તેમાં પણ 17965 શિક્ષક પશ્ચિમ બંગાળની જ 3812 શાળામાં કાર્યરત હતા.

શિક્ષા મંત્રાલયના આંકડા અનુસાર 2023-24ના સત્રના 12954થી ઘટીને 2024-25મા શુન્ય એડમિશન ધરાવતી શાળાની સંખ્યા 7993 રહી હતી. જે અંદાજીત 5000ની કમી બતાવે છે. હરિયાણા, મહારાષ્ટ્ર, ગોવા, આસામ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં આવી એક પણ શાળા નોંધાઈ નથી. સીનિયર અધિકારી અનુસાર શાળાનું શિક્ષણ રાજ્યનો વિષય છે. રાજ્યોને શુન્ય એડમિશનની સ્થિતિનો ઉકેલ કરવા કહેવામાં આવ્યું છે. અમુક રાજ્યોએ સંસાધનોનો વિલય કરી દીધો છે.

પુડ્ડુચેરી, લક્ષદ્વીપ, દાદરા નગર હવેલી, અંડમાન નિકોબાર, દમણ અને દીવ, ચંડીગઢ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ શુન્ય એડમિશન ધરાવતી કોઈપણ શાળા નથી. મધ્યપ્રદેશમાં આવી 463 શાળા હતી અને 223 શિક્ષક તૈનાત હતા. આ દરમિયાન યુપી માધ્યમિક શિક્ષા પરિષદે કહ્યું છે કે છેલ્લા ત્રણ શૈક્ષણિક સત્રમાં એક પણ એડમિશન ન થયું હોય તેવી શાળાની માન્યતા રદ કરવાની તૈયારી ચાલી રહી છે.

આંકડા અનુસાર દેશભરમાં 33 લાખથી વધારે છાત્ર એક શિક્ષક જ ધરાવતી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં આવી સૌથી વધારે શાળા છે. બાદમાં યુપી, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને લક્ષદ્દીપ આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક