• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

લાભપાંચમે વેપાર-ધંધાનો આરંભ : યાર્ડ આજથી ખૂલશે

કપાસ-મગફળી સહિતની ચીજવસ્તુઓથી યાર્ડ ઉભરાયા : બજારો ફરી પૂર્વવત્

 

રાજકોટ,તા.26: (ફૂલછાબ ન્યૂઝ) દિવાળીના પર્વને રંગેચંગે ઉજવ્યા બાદ વેપાર-ઉદ્યોગે લાભપાંચમથી નવા વિક્રમ સંવતના કામકાજનો આરંભ કર્યો હતો. દિવાળીના પાંચ દિવસે લાભ પંચમી ઉજવવામાં આવે છે અને વેપારીઓ માટે નવા વ્યવસાયો શરૂ કરવા અને નવા હિસાબ-કિતાબ ખોલવા માટેનો એક મહત્વપૂર્ણ દિવસ છે. લાભ પાંચમ રવિવારે આખો દિવસ રહી હતી. જોકે સવારના પંચમી બેલાના મુહૂર્તમાં મોટાંભાગના લોકોએ પૂજા કરી હતી. અલબત્ત રવિવારને લીધે બજારો બંધ હતી. સોમવારથી તમામ મુખ્ય બજારો અને માર્કેટ યાર્ડ શરૂ થઇ જશે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેત જણસીનો વેપાર ખૂબ મોટો છે. વેચાણ માટે માર્કેટ યાર્ડ મહત્વના છે. જે સપ્તાહના વેકેશન પછી સોમવારથી ખૂલવાના છે. એ પૂર્વે અલગ અલગ માર્કેટ યાર્ડે રવિવારથી નવી આવકનો આરંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠેકઠેકાણે માવઠાં પડવાનું શરૂ થઇ ગયું છે. એનાથી ભયભીત થઇને માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને ઢાંકી-સાચવીને માલ લાવવા માટે સૂચના અપાઇ હતી.ખેડૂતો મોટાંપાયે કપાસ મગફળી સહિતની જણસી લાવ્યા હતા. યાર્ડમાં સોમવારથી હરાજીનું કામકાજ શરૂ થવાનું છે.

માર્કેટ યાર્ડ બંધ થયા ત્યારે મગફળી અને કપાસની જોરદાર આવક થતી હતી. સોમવારે વરસાદી માહોલ વચ્ચે આવક કેટલી થાય છે તેના પર સૌની નજર છે. જોકે માર્કેટ યાર્ડોએ માલ ન બગડે તે માટે કડક સૂચનાઓ સાથે ખેડૂતોને જણસી લાવવા કહ્યું છે એટલે આવકનો અંદાજ બેસી શકતો ન હતો.

બીજી તરફ રાજકોટ સહિત તમામ શહેરોની દાણા બજાર, કપડાં બજાર, ઝવેરી બજાર કે કરિયાણા બજારમાં રજાઓ પૂરી થઇ ચૂકી છે. વેપારીઓ પ્રવાસમાંથી કે ફરવાની વ્યસ્તતામાંથી સોમવારે દુકાનો ખોલશે. એ પૂર્વે શનિવાર સુધી બજારો સૂમસામ ભાસી હતી. રવિવારે તમામ લોકોએ આખા દિવસમાં અનુકૂળતા પ્રમાણે શુભ ચોઘડિયામાં પૂજાવિધિ સંપન્ન કરી હતી.

દિવાળીના પર્વ વખતે તમામ સ્તરે ખૂબ સારી ઘરાકી ખૂલી હતી. નાના-મોટાં વેપારીઓએ ક્ષમતા પ્રમાણે બિઝનેસ મેળવ્યો હતો. એ રીતે દિવાળી ફળી હતી. હવે નવા વર્ષમાં વરસાદ અને સારી ઉપજ પછી ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં કેટલો પૈસો આવે છે તે મહત્વનું બનશે.

--

 

 

ઇ-પેપરના નવા શુલ્ક