મંત્રીપદ ન મળવા અંગે જયેશ રાદડિયાએ ખુલીને વાત કરી, સમાજના આગેવાનોની ઝાટકણી કાઢી
અમદાવાદ,
તા.26 : મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પાટીદાર સેવા સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહ
પ્રસંગે પ્રમુખ સ્થાને જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓ સમાજ ઉપરાંત
મંત્રીમંડળમાં સ્થાન મળવા સહિતની બાબતોએ ખુલીને બોલ્યા હતા. તેમણે સરકારનાં બદલે સમાજ
અને સમાજનાં આગેવાનોની જ ઝાટકણી કાઢી હતી. જયેશ રાદડિયાએ સમાજના કાર્યક્રમમાં સૌ કોઇને
અપીલ કરી હતી કે, બને તેટલી મદદ કરો, એકબીજાના ટાંટીયા ખેંચવાનો પ્રયાસ કરશો નહી.
મંત્રીમંડળમાં
સ્થાન ન મળવા અંગે જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે, હું જ્યારે 30 વર્ષનો હતો ત્યારે જ
મંત્રી બની ગયો હતો. હવે મંત્રી બનાવે કે ન બનાવે તે સરકારનો અને પક્ષનો નિર્ણય છે.
એક કાર્યકર્તા તરીકે શરૂઆત કરી હતી, આજીવન કાર્યકર્તા જ રહેવાનું છે. પદ ગૌણ બાબત છે.
પાટીદાર
સમાજને પગ નહીં હાથ ખેંચવાની અપીલ કરતા આગેવાનો ઉપર પણ વ્યંગ કરતા કહ્યું હતુ કે, આગેવાન
મોટો થાય એટલે વિરોધીઓ પાડવા પ્રયાસો કરે છે. આ વૃત્તિ સમાજ માટે સારી નથી. સમાજમાં
જરૂરિયાતમંદના હાથ ખેંચો પગ નહીં, તો જ સમાજ આગળ વધશે. પરંતુ આપણા આગેવાનો ઉંધુ કરે
છે, ઉપર આવી રહેલા વ્યક્તિનો પગ ખેંચવા લાગે છે. જો તમારો વિરોધ થઇ રહ્યો હોય તો સમજી
જજો કે તમે પ્રગતિ પર છો.
ઉલ્લેખનીય
છે કે, તાજેતરમાં ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં વિસ્તરણ કરી નવું મંત્રીમંડળ બનાવવામાં
આવ્યું છે. જેમાં જયેશ રાદડિયાનું નામ આગળ ચાલતું હતું અને છેલ્લી ઘડીએ તેમનું નામ કાપવામાં આવ્યું હતું. આની પાછળના કારણમાં ઇફકોની
ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઇને ડિરેકટરનું ફોર્મ ભરવું અને ભાજપના સત્તાવાર
ઉમેદવાર બિપિન ગોતાને હરાવવું હોવાનું ચર્ચાતું હતું. જો કે, ગુજરાત ભાજપમાં નવા સંગઠનની
નિમણૂક થવાની છે તેમાં પ્રદેશ મહામંત્રી તરીકે સૌરાષ્ટ્ર ઝોનમાં તેમને નવી જવાબદારી
સોંપવામાં આવે તેવી શક્યતા છે.