સાઉદીના એક કાર્યક્રમમાં અભિનેતાએ બલૂચિસ્તાનને અલગ દેશ ગણાવતા પાકિસ્તાન ભડક્યું
નવી
દિલ્હી, તા. 26 : બોલિવુડ અભિનેતા સલમાન ખાને બલૂચિસ્તાન ઉપર આપેલા નિવેદનથી ભડકેલા
પાકિસ્તાને સલમાન ખાનને આતંકવાદી ઘોષિત કરી દીધો છે. સલમાને સાઉદી અરબમાં એક કાર્યક્રમ
દરમિયાન બલૂચિસ્તાનને અલગ દેશ ગણાવ્યો હતો. ત્યારબાદથી પાકિસ્તાનની શહબાઝ સરકાર પુરી
રીતે ચિડાઈ હતી. હવે શાહબાઝ સરકારે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને સલમાન ખાનને આતંકવાદ
વિરોધી અધિનિયમ હેઠળ આતંકી ઘોષિત કરી દીધો છે. જાણકારી અનુસાર પાકિસ્તાની ગૃહ મંત્રાલયે
સલમાનનું નામ ચોથા શેડયુલમાં સામેલ કર્યું છે.
જાણકારી
અનુસાર ચોથી યાદીમાં નામ સામેલ કરવાનો અર્થ એવો થાય છે કે આવા વ્યક્તિ ઉપર કટ્ટરપંથી ગતિવિધિના કારણે નજર રાખવામાં
આવશે. બીજી તરફ હજી સુધી સલમાન ખાન કે તેના પ્રતિનિધિ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં
આવી નથી. સાઉદી અરબમાં એક ફોરમમાં સંબોધન કરતા સલમાન ખાને કહ્યું હતું કે, બલૂચિસ્તાનના
લોકો, અફઘાનિસ્તાનના લોકો, પાકિસ્તાનના લોકો દરેક સાઉદી અરબમાં મહેનતથી કામ કરી રહ્યા
છે. આ નિવેદનથી જ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું.
હકીકતમાં
લાંબા સમયથી બલૂચિસ્તાનમાં પાકિસ્તાનથી અલગ થવા માટે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનોને
કચડવા માટે પાકિસ્તાની સેના બબર્રતા આચરી રહી છે. એક તરફ પાકિસ્તાન ભડક્યું છે તો બીજી
તરફ બલૂચિસ્તાનના લોકો સલમાનના નિવેદનથી ખુશ છે અને સલમાન ખાનનો આભાર માન્યો છે.