અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થવાની ભીતિ : ઓખા પોર્ટ પર 3, સલાયા પોર્ટ પર 1 નંબરનું ભયસૂચક સિગ્નલ
અમદાવાદ,તા.25: અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના
કારણે હવામાન વિભાગે આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં
હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના
કારણે સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે, ત્યારે ઓખા પોર્ટ પર નંબર-3,
સલાયા પોર્ટ પર નંબર-1નું ભયસૂચક સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરિયો
ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ
મુજબ, આવતીકાલે 26 ઓક્ટોબરના રોજ બોટાદ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ
ઍલર્ટ, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ,
વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ,
જૂનાગઢ, રાજકોટ, પોરબંદર યલો ઍલર્ટ જાહેર કરવામાં
આવ્યું છે.
27
ઓક્ટોબરના રોજ હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,
સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ,
રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે
28 ઓક્ટોબરની આગાહી મુજબ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં
યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
ઉત્તર
ગુજરાતમાં કારતકમાં અષાઢ જેવો માહોલ, ખેડૂતોમાં ચિંતા
રાજ્યમાં
કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે શનિવારે વહેલી સવારે મહેસાણા, ઊંઝા, પાલનપુર સહિત આસપાસના
વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એક તરફ વહેલી સવારની ગુલાબી ઠંડીનો અનુભવ
થઈ રહ્યો હતો, ત્યારે જ બીજી તરફ કમોસમી વરસાદ શરુ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
હતી. શિયાળાની શરુઆત સાથે ઊંઝા- બહુચરાજી પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો
હતો. કારતક મહિનામાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતાં અષાઢી માહોલ જામ્યો હતો. દોઢ ઇંચ જેટલા
વરસાદના લીધે ઊંઝા રેલવે અંડરપાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત
પાલનપુર, ઊંઝા અને મહેસાણા સહિત મહેસાણાના ઐઠોર ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી
ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં
કપાસ, રાયડો, કઠોળ, જુવાર સહિતનો પાક નિષ્ફળ જવાની ચિંતા ફેલાઈ છે.
દક્ષિણ
ગુજરાતમાં માવઠું
સુરત
: હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના
વલસાડ, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ યથાવત્ છે. સામા તહેવારે કમોસમી
વરસાદ પડતા લોકોનુ જનજીવન ખોરવાયું છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના
વરસાદી આંકડા મુજબ વલસાડ જિલ્લા ના ધરમપુરમાં 3 મીમી, કપરાડામાં 27મીમી, ઉમરગામમાં
42 મીમી, વાપી 18 મીમી અને વલસાડ સિટીમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. અને નવસારી જિલ્લાના
જલાલપોરમાં 40 મીમી, ગણદેવીમાં 4 મીમી, ચીખલીમાં 3 મીમી, ખેરગામમાં 20 મીમી વરસાદ નોંધાયો
છે. તેમજ તાપી જિલ્લાના સોનગઢમાં 1 મીમી, વાલોડમાં 1 મીમી, વ્યારામાં 1 મીમી વરસાદ
નોંધાયો છે. તથા ડાંગ જિલ્લાના આહવામાં 28 મીમી, સુબીરમાં 7 મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સુરત જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા યથાવત રહ્યા હતા.
વેરાવળમાં
દોઢ, માળિયા હાટીનામાં અડધો ઈંચ વરસાદ
વેરાવળ,
તા.25: વેરાવળ-સોમનાથ શહેર પંથકના વિસ્તારોના વાતાવરણમાં આજે બપોરના સમયે અચાનક પલટો
આવ્યા બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી. પંથકમાં બે-એક દિવસથી વર્તાઈ રહેલા બફારા વચ્ચે
આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ હતી. તંત્રના
રેકર્ડ મુજબ બપોરે એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ
વરસી જતા પાણી વહેતા થયાં હતાં.
માળીયા
હાટીનામાં અડધો ઈંચ
માળીયાહાટીનામાં
આજે બપોરના ચાર વાગ્યે જોરદાર વરસાદ શરૂ થયો હતો અને અડધો ઈંચ પડી ગયો હતો. માવાડી
વિસ્તારમાં તેમજ લાઠોદરા અમરાપુર ગીર સહિતના આસપાસના ગામડાઓમાં જોરદાર વરસાદ પડયાના
સમાચાર છે જે ખેડૂતોના ખેતરોમાં મગફળી અને પાતળા કે ચારો પડયો છે તેમને નુકસાની થયાનું
જાણવા મળ્યું છે.