• બુધવાર, 22 મે, 2024

જસદણના ગોખલાણામાં 300થી વધુને ફૂડ પોઈઝાનિંગ

માતાજીના માંડવામાં  પ્રસાદ ખાધા બાદ ફૂડ પોઇઝનિંગથી અફરાતફરી મચી, અસરગ્રસ્તોને સારવાર માટે જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડાયા

જસદણ તા. 30 : (ફૂલછાબ ન્યુઝ) જસદણ તાલુકાના ગોખલાણા ગામે માતાજીના માંડવામાં પ્રસાદ ખાધા બાદ અંદાજે 300થી વધારે લોકોને ફૂડ પોઈઝાનિંગ થતા અફરાતફરી મચી હતી અને અસરગ્રસ્તોને વિવિધ સ્થળે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

જસદણના ગોખલાણા ગામે ગામ સમસ્ત દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ઘણા ભક્તો અને પરિવારો અહીં માતાજીના માંડવાનો ધર્મલાભ લેવા માટે આવ્યા હતા. માતાજીના માંડવામાં રાત્રે પ્રસાદમાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમણવારમાં પ્રસાદ આરોગ્યા બાદ 300 લોકોને એક બાદ એક ઝાડા-ઉલ્ટી ચાલુ થવા સાથે ફૂડ પોઈઝન થતાં રાત્રે દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના સામે આવ્યા બાદ 108 તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને જસદણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા.

મધરાત્રે દોડધામ વચ્ચે અસરગ્રસ્તોની સંખ્યા વધતી જતી હોવાથી કેટલાક  લોકોને ગોખલાણા ગામે ખાનગી દવાખાનામાં, જસદણની ખાનગી હોસ્પિટલોમાં, જસદણની સિવિલ હોસ્પિટલમાં વગેરે સ્થળે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં જસદણ સિવિલમાં રઘુબેન મુકેશભાઈ, વીમુબેન પ્રતાપભાઈ, સુરભીબેન ભરતભાઈ, ભવ્યાબેન મુકેશભાઈ, નવલભાઇ ગભાભાઈ, ભૂમિબેન ધનજીભાઈ, જીગ્નેશભાઈ માવજીભાઈ, રોહનભાઈ પ્રવીણભાઈ સહિતના 22 લોકોને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. 3 થી 11 વર્ષની ઉંમરના બાળકો પણ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત બન્યા છે. જો કે બાળકો સહિત તમામ લોકો ભયમુક્ત હોવાનું ઘટનાની જાણ થતા જ ગોખલાણા ગામે દોડી આવેલા આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક