• શનિવાર, 27 જુલાઈ, 2024

ગુજરાત ઉપરથી ઘાત ગઈ : અમદાવાદ એરપોર્ટ પરથી ISના 4 આતંકી પકડાયા

અમદાવાદ, તા.ર0 : અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત એટીએસ દ્વારા ઇસ્લામિક આતંકવાદી સંગઠન (આઇએસઆઇએસ)ના ચાર શ્રીલંકન આતંકવાદીને ઝડપી લીધા હતા અને ત્રણ પિસ્તોલ અને ર0 કાર્ટિસ કબજે કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી સ્યુસાઇડ બોમ્બર બનવા માટે પણ તૈયાર હોવાનું ખૂલતા એટીએસ અને રો સહિતની એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને ચારેય આતંકીને 14 દિવસના રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે, મૂળ શ્રીલંકાના વતની અને ઇસ્લામિક આતંકવાદી સંગઠન (આઇએસઆઇએસ)ના સક્રિય ચાર આતંકવાદી ચેન્નાઈથી અમદાવાદ આવવાના હોવાની બાતમીના આધારે એટીએસના અધિકારીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને એરપોર્ટ ખાતે સર્ચ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમિયાન ગુજરાત એટીએસના ચુનંદા અધિકારીઓ અને સ્ટાફ દ્વારા એરપોર્ટ ખાતે વોચ રાખવામાં આવી હતી અને ચેન્નાઈથી અમદાવાદ આવેલા શ્રીલંકાના મહોમ્મદ નુશરત, મહોમ્મદ ગુફરાન, મોહમ્મદ ફારીશ અને મહોમ્મદ રશ્દીને ઝડપી લીધા હતા અને તેના મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા.

આ ઘટના સંદર્ભે રાજ્યના પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત એટીએસના વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ મામલે જણાવવામાં આવ્યું હતું કે, ચારેય આતંકવાદી ભારતમાં કોઈપણ સ્થળે આતંકવાદી કૃત્ય કરવા માટે આવવાના હતા અને તા.18 કે 19ના અમદાવાદ આવશે. વિમાન કે રેલ મારફત આવવાની માહિતી મળી હતી. ચારેય આતંકવાદી શ્રીલંકાના નાગરિકોની ટિકિટ એક જ પીએનઆર પર બૂક કરવામાં આવી હતી અને કોલંબોથી અમદાવાદ વાયા ચેન્નાઈની ફલાઇટની ટિકિટ બુક કરાવી હતી. ચારેય આતંકી તા.19ના કોલંબોથી ચેન્નઈ એરપોર્ટ આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ આવ્યા હતા અને એટીએસએ સંપૂર્ણ ખાત્રી કર્યા બાદ ચારેય આતંકીને ઝડપી લીધા હતા.

વધુમાં જણાવ્યા મુજબ ચારેય આતંકી હિન્દી અને અંગ્રેજી ભાષા બરોબર જાણતા નથી અને તામીલ ભાષા આવડે છે. પોલીસની વધુ તપાસમાં મોહમ્મદ નુસરથ પાસેથી એક મોબાઇલ મળી આવેલ જેમાં પ્રતિબંધિત આતંકી સંગઠન સાથે જોડાવવા હીજરા કરવા, અબુ બકર બગદાદી દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા અને યહુદીઓ અને ખ્રિસ્તીઓ તથા બીજેપી, આરએસએસના સભ્યોને પાઠ ભણાવવા તેમજ મુસ્લિમ સુમદાય પર થતાં અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના પુરાવા મળ્યા હતા.

તેમજ આ આતંકવાદીઓ પાસેથી ઉપયોગમાં લેવાતી પ્રોટોન ડ્રાઇવમાંથી પાંચ ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. જેમાં (1) પાણીની કેનાલ, (ર) મોટા પથ્થરો નીચે બખોલમાં ગુલાબી કલરનાં પાર્સલમાં રાખેલ કોઈ વસ્તુ, (3) બ્રાઉન સેલોટેપ વીંટાળેલ ગુલાબી કલરનું પાર્સલ, (4) ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ અને આજુબાજુમાં ગોઠવેલ ત્રણ પિસ્તોલ આકારના પાર્સલ (પ) ત્રણ પિસ્તોલ અને ત્રણ લોડેડ મેગેઝિન હોવાનું જણાવામાં આવ્યું હતું.

આ આતંકીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રોટોન મેઇલમાં એક સેલ્ફ ઇ-મેઇલ મળી આવ્યો હતો. જેમાં કોઈ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે દુભાષિયા મારફતે પૂછતાછ કરવામાં આવતા આ આતંકવાદી સંગઠનના સક્રીય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે તેમજ તેઓનો હેન્ડલર પાકિસ્તાનનો અબુ છે. પાકિસ્તાની અબુએ આ ચારેય આતંકીને જણાવેલ કે તે હથિયારોના ફોટા તથા તે હથિયારો જે જગ્યાએ છુપાવેલ છે. તે જગ્યાના ફોટા અને તેનું લોકેશન પ્રોટોન ડ્રાઇવ તથા પ્રોટોન મેઇલ પર શેર કરશે. ત્યાંથી આ હથિયારો મેળવી લેવા, બાદમાં તેનો ઉપયોગ કઈ જગ્યાએ અને કયા ટાર્ગેટ પર કરવાનો તેની જાણ કરવામાં આવશે.

આથી એટીએસના અધિકારીઓ દ્વારા જિયો-કો.ઓર્ડિનેટ્સ ખાતે સર્ચ કરતા એક પાર્સલમાંથી ત્રણ પિસ્તોલ અને એક કાળા કલરનો ફલેટ તેમજ ર0 કાર્ટિસ મળી આવતા કબજે કર્યા હતા અને ત્રણેય પિસ્તોલ પર સ્ટારનું ચિહ્ન છે અને બેક ટ્રેકિંગ થઈ જ શકે તે હેતુથી રીકવર કરવામાં આવેલી ત્રણેય પિસ્તોલ પરથી સિરીયલ નંબર ઈરાદાપૂર્વક ભૂસી નાખ્યો છે.

આ ત્રણ પિસ્તોલ અને કાર્ટિસ કબજે કરવામાં આવ્યા હોય તેમાં તપાસ કરતા તમામ કાર્ટિસ પર ફાટા લખેલ છે. પ્રાથમિક દૃષ્ટિએ આ ત્રણ પિસ્તોલ નોરીકો ટાઇપ પ4  મોડલની હોવાનું તથા એમ્યુનેશન પાકિસ્તાનના ભૂતપૂર્વ  ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાઇબલ એરિયાઝ ફાટામાં બનાવેલ હોવાનું જણાય છે. સર્ચ દરમિયાન મળી આવેલ બ્લેક ફલેગ પ્રતિબંધિત આતંકી સંગઠનનો હોવાનું જણાઈ આવ્યું છે. ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા ચારેય આતંકવાદીને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એટીએસ તેમજ રો સહિતની એજન્સીઓ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો તેમજ આ મામલે સ્થાનિક શખસોની સંડોવણી છે કે કેમ તે સહિતના મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

--------------

પ્રોટોન ડ્રાઇવ : કાવતરું

પાર પાડવાનું હથિયાર !

ભાર્ગવ પરીખ

આતંકવાદીઓ હવે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે. હવે તમામ માહિતી ગુપ્ત રહે અને અભણ માણસ પણ જેનો ઉપયોગ કરી શકે એવી પ્રોટોન ડ્રાઇવથી છુપાવેલા હથિયારોની જગ્યાનો નક્શો આપી ગુજરાતમાં આતંક ફેલાવવાનું રચ્યું હતું પરંતુ એટીએસની સતર્કતાને કારણે આઇપીએલની મેચ પહેલાં આ કાવતરું નિષ્ફળ ગયું છે.

તપાસ ચાલુ હોવાથી પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે એટીએસના ઉચ્ચ અધિકારીએ જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યું કે, ચૂંટણી દરમિયાન પોલીસે રાઉન્ડ અપ કરેલા કેટલાક અસામાજિક તત્ત્વો પાસેથી અમને માહિતી મળી હતી કે ગુજરાતમાં આતંકી હુમલા માટે પાકિસ્તાન સિવાયના એશિયન કન્ટ્રીમાંથી કેટલાક લોકો આવવાના છે. જે ભાષાથી અજાણ હશે, જેથી સ્થાનિક સ્લીપર સેલ સાથે સંપર્ક પણ નહીં કરી શકે. આ માહિતીના આધારે અને ટ્રેન અને વિમાનમાં મુસાફરોનાં થતાં આવનજાવન પર નજર રાખતા હતા. ત્યાં અમારી નજર ચેન્નાઈથી અમદાવાદ ફલાઇટની ડિટેઇલ પર ગઈ. એક જ પીએનઆર નંબર પર ચાર પુરુષ જ આવતા હતા, એટલે અમે એની વધુ વિગત મેળવી તો ચારેય જણા શ્રીલંકાના હતા. એ લોકોને એરપોર્ટ પર પકડયા તો એ લોકોને અંગ્રેજી કે હિન્દી આવડતું નહતું પણ એમની પાસેથી અમને એક પ્રોટોન ડ્રાઇવ મળી. પ્રોટોન ડ્રાઇવ સ્વીડનની છે પણ એમાં તમામ માહિતી સિક્યોર રહે છે, એને ઓપરેટ કરવા માટે ટેક્નોસેવી માણસની જરૂર નથી હોતી. તમિલ જાણનારા દુભાષિયાની મદદથી આ ચારની પૂછપરછ કરી તો એ લોકો પાકિસ્તાની આતંકવાદી અબુના સંપર્કમાં હતા અને ચાર લાખ શ્રીલંકન કરન્સી માટે એ લોકો ગુજરાતમાં આતંકી હુમલો કરવાના હતા. એમને હથિયાર ક્યાંથી અને કેવી રીતે મળશે એ પ્રોટોન ડ્રાઇવમાં હતું. પ્રોટોન ડ્રાઇવને અમે ડિકોડ કરી અને જીઓ -કોર્ડિનેટ ટેક્નોલોજીથી એના અક્ષાંસ - રેખાંશના આધારે હથિયાર ક્યાં સંતાડયાં છે એની જાણકારી લીધી તો ગાંધીનગર પાસેનાં ચિલોડાનાં નદીના કોતરોમાં પ્રોટોન ડ્રાઇવમાં દર્શાવ્યા મુજબ ગુલાબી કપડાંમાં પાકિસ્તાન બનાવટની ત્રણ પિસ્ટલ, 20 કારતૂસ મળી આવ્યા. આ ચાર શ્રીલંકન આતંકીઓનું ટાર્ગેટ કોણ હતું એની વિગતો રિમાન્ડ બાદ મળી શકશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024