• શનિવાર, 27 જુલાઈ, 2024

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનનાં રાષ્ટ્રપતિનું નિધન

-12 કલાકની ખોજનાં અંતે મળ્યો હેલિકોપ્ટરનો કાટમાળ : અઝરબૈજાનની સીમાએ એક પહાડી ઉપર હેલિકોપ્ટરનાં ફુરચા ઉડી ગયા : વિદેશમંત્રી સહિત હેલિકોપ્ટરમાં સવાર 9નાં મૃત્યુ : મોખબર વચગાળાનાં રાષ્ટ્રપતિ: વડાપ્રધાન મોદીએ પ્રગટ કર્યું દુ:ખ

 

તહેરાન, તા.20 : અઝરબૈજાનની સીમા માટે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનનાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશમંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાન સહિત કુલ 9 લોકોનાં મૃત્યુ નીપજ્યા છે. રવિવારે રહસ્યમય રીતે અકસ્માતનો ભોગ બનેલા હેલિકોપ્ટરને શોધવા માટે 12 કલાક ચાલેલા તલાશી અભિયાન દરમિયાન તુર્કીનાં એક ડ્રોન વડે તૂટી પડેલા હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કઢાયો હતો. હેલિકોપ્ટરનો કાટમાળ અને મૃતદેહો મળી આવ્યા બાદ ઈરાનની સરકારે રાષ્ટ્રપતિ રઈસીનાં નિધનની સત્તાવાર ઘોષણા કરી દીધી હતી.

ઈરાનનાં 63 વર્ષીય રાષ્ટ્રપતિનાં નિધન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાનાં વડાઓએ દુ:ખ પ્રગટ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ એક્સ ઉપર ટ્વિટ કર્યું હતું કે, ઈરાનનાં રાષ્ટ્રપતિ રઈસીનાં નિધનથી ઘેરું દુ:ખ અને આઘાત લાગ્યો છે. ભારત-ઈરાન દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમનાં પરિવાર અને ઈરાનનાં લોકો પ્રત્યે સંવેદના. શોકની આ ઘડીએ ભારત ઈરાનની સાથે છે.

ઈરાની રાષ્ટ્રપતિને ખરાબ હવામાનમાં લઈને નીકળેલા હેલિકોપ્ટરને રવિવારે અકસ્માત નડયો હતો. જેને શોધવા માટે કુલ 40 જેટલી ટીમોને કામે લગાડી દેવામાં આવી હતી. ગાઢ ધુમ્મસ અને પહાડ જંગલમાં આ અકસ્માત બન્યો હોવાનાં કારણે હેલિકોપ્ટરનો પતો મેળવવામાં ભારે કઠણાઈ પડી હતી. આ હેલિકોપ્ટરનો મલબો આજે મળ્યો હતો. આમાં રાષ્ટ્રપતિ રઈસી, વિદેશમંત્રી ઉપરાંત કુલ સાત લોકો સવાર હતાં. જેમાં પૂર્વ અઝરબૈજાનનાં ગવર્નર મલિક રહમતી, ધર્મગુરુ અયાતુલ્લા અલ હાશિમ, પાયલટ, કો-પાયલટ અને ક્રૂ ચીફ ઉપરાંત બોડીગાર્ડનો સમાવેશ થતો હતો. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરને શોધવા માટે કલાકો સુધી ખોજ કરવામાં આવી હતી અને આખરે તેનો કાટમાળ ડ્રોનમાં દેખાઈ ગયો હતો. જો કે બચાવ-રાહત ટુકડીને કાટમાળ દેખાઈ ગયા બાદ પણ ત્યાં પહોંચતા બે કલાકથી વધુ સમય લાગી ગયો હતો. આ દુર્ઘટના પૂર્વ અઝરબૈજાનનાં પશ્ચિમી પ્રાંતનાં ઝોફા ક્ષેત્રની પહાડી ઉપર બની હતી.

રઈસીનાં નિધનને પગલે ઈરાનમાં તાકીદની ઉચ્ચસ્તરીય બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો અને દેશનું સુકાન કોને સોંપવું તેની કવાયત પણ તાબડતોબ હાથ ધરી દેવામાં આવી હતી. આ કવાયતનાં અંતે ઈરાનનાં સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈએ મોહમ્મદ મોખબરને વચગાળાનાં રાષ્ટ્રપતિ તરીકે સ્વીકૃતી આપી દીધી હતી.

ઈરાનનાં મીડિયામાં દુર્ઘટનાનો શિકાર બનેલા રઈસીનાં હેલિકોપ્ટરનાં કાટમાળનો એક વીડિયો પણ જારી કરવામાં આવ્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, એક ડુંગરની ટોચ પાસે જ હેલિકોપ્ટરનો એક મોટો ભાગ તૂટી પડયો છે અને હેલિકોપ્ટરનાં ચીથરાં ઉડી ગયેલા છે. ચારેકોર તેનો મલબો વિખેરાયેલો પડયો છે.

ઉલ્લેખનીય છે કે, રઈસી વર્ષ 2021માં રાષ્ટ્રપતિ ચૂંટાયા હતાં એન પદ સંભાળ્યા બાદ તેમને નૈતિકતાનાં કાયદાઓને કઠોર બનાવવાનો આદેશ કર્યો હતો. સરકાર પ્રદર્શનો સામે તેમણે ખૂની કાર્યવાહી પણ કરેલી અને મોટા દેશો સાથે પરમાણુ વાટાઘાટો માટે પણ સઘન પ્રયાસો કરેલા. ભારતનો ચાબહાર બંદરનો કરાર પણ તેમનાં નેતૃત્વમાં જ થયેલો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024