• મંગળવાર, 18 જૂન, 2024

કોવેક્સિનથી આડઅસરનું સંશોધન ભ્રામક

ICMRનો દાવો : BHUને આપી નોટિસ : માફી માગવી જોઈએ

નવી દિલ્હી, તા. 20 : બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ) દ્વારા કોવેક્સિન રસીની પણ આડઅસર હોવા અંગેના સંશોધનમાં આઈસીએમઆરને ટાંકવામાં આવ્યું હતું. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને એને ખોટું અને ભ્રામક જણાવ્યું છે. આઈસીએમઆરે બીએચયુને નોટિસ આપી છે.

આઈસીએમઆરના મહાનિર્દેશક ડો. રાજીવ બહલે જણાવ્યું છે કે, જે સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રસી લેતા લોકોમાં ગંભીર આડઅસર જોવા મળી છે, એ સંપૂર્ણપણે ભ્રામક અને ખોટાં તથ્યો પર આધારિત છે. આને આઈસીએમઆર સાથે કોઈ લેવા-દેવા નથી. આઈસીએમઆરએ આ માટે કોઈ મદદ કરી નથી. સંશોધન પેપરમાંથી અમારું નામ હટાવવું જોઈએ અને માફી માગવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, 16 મેના એક આર્થિક અખબારે સાયન્સ જર્નલ સ્પ્રિંગરાલિંકમાં પ્રકાશિત એક સંશોધનને ટાંકીને લખ્યું હતું કે, ભારત બાયોટેકની કોરોના રસી-કોવેક્સિનની પણ આડઅસર છે. સંશોધન મુજબ બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ)માં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ભાગ લેનારા લગભગ એક તૃતિયાંશ લોકોમાં કોવેક્સિનની આડઅસરો જોવા મળી હતી.

આ લોકોમાં શ્વાસને સંબંધિત ઇન્ફેક્શન, લોહી ગંઠાવા અને ચામડી સાથે જોડાયેલી બીમારીઓ જોવા મળી હતી. શોધકર્તાઓએ જાણ્યું કે, ટીનેજર્સ અને ખાસ કરીને એવા લોકો, જેઓ કોઈ એલર્જીનો સામનો કરી રહ્યા છે, તેમને કોવેક્સિનનું જોખમ છે.

થોડા દિવસો પહેલાં  કોવેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકે કહ્યું હતું કે, તેમના દ્વારા બનાવવામાં આવેલી રસી સલામત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કોવેક્સિનના બે ડોઝ આપ્યા હતા. કંપનીએ કહ્યું હતું કે, દેશના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવેક્સિનની સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024