• મંગળવાર, 21 મે, 2024

સૌરાષ્ટ્રમાં કાલે 3 ચૂંટણી સભા ગજવશે વડાપ્રધાન મોદી

-જામનગર, જૂનાગઢ બાદ છેલ્લી ઘડીએ સુરેન્દ્રનગરનું નામ પણ ઉમેરાયું : જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓને અપાતો આખરી ઓપ

રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, તા. 30 : (ફૂલછાબ ન્યુઝ) લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, સૌરાષ્ટ્રમાં હજુ પણ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે ત્યારે આ રોષને ઠારવા અને ‘અબ કી બાર 400 પાર’ના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્રની તમામ લોકસભા બેઠક આવરી લેવાય તેવા એજન્ડા સાથે જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સભાઓ ગજવવા આગામી તા.2જી મેને ગુરુવારે આવી રહ્યાં છે. હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન મોદીનું પ્રાથમિક સિડયુઅલ પી.એમ કાર્યાલયેથી આવી ચૂક્યું છે જેમાં તા.2ના રોજ સૌરાષ્ટ્રની લોકસભા બેઠકના 

પ્રચારનો એજન્ડા ગોઠવવામાં આવ્યો છે સૌરાષ્ટ્રમાં 3 સભા રાખવામાં આવી છે, અગાઉ માત્ર જામનગર અને જૂનાગઢમાં સભાનું આયોજન હતું પરંતુ છેલ્લી ઘડીએ ક્ષત્રિય સમાજનું જ્યાં સૌથી વધુ પ્રભુત્વ છે તેવા સુરેન્દ્રનગરનો પણ તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ ફૂંકવા વડાપ્રધાન મોદીની પ્રથમ સભા સુરેન્દ્રનગર ખાતે યોજાશે. ભાજપના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાના સમર્થનમાં વડાપ્રધાન મોદી સુરેન્દ્રનગર-રાજકોટ રોડ ઉપર આવેલા મેદાનમાં સભા કરવા આવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ભાજપનો નાનામાં નાનો કાર્યકર હવે મોદીના આગમન પૂર્વે કામે લાગી ગયો છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે જેને લઈને સભામાં આવનારા લોકો, નેતાઓ તેમજ કાર્યકર્તાઓને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એક વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે તેમજ કુલરની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સભામાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ તેમજ એસપીજીની ટુકડીઓ તેમજ અન્ય ટીમોને કામે લગાડવામાં આવી છે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવ પણ સુરેન્દ્રનગર આવી ચૂક્યાં છે. સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવું અનુમાન છે.

વડાપ્રધાન મોદી તા.2જીએ બપોરે 3.16 કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી સભા સંબોધશે. કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકારે સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીના શિરે મૂકી છે તેમના નેતૃત્વમાં 7 એસપી, 15 ડીવાયએસપી, 22 પીઆઈ, 117 પીએસઆઈ સહિત 2250 જવાનો સુરક્ષામાં ઉતારાયાં છે. સભા સ્થળે હેલીપેડ, કોન-વે, રોડ-રસ્તા, ધાબા, પાર્કિંગ, પબ્લિક પ્રવેશ સહિતના પોઈન્ટ ઉપર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણી સભામાં 60 હજાર લોકો એકત્ર થવાનો લક્ષ્યાંક છે. જો કે, 3 લોકસભા બેઠકને આવરી લેતી આ ચૂંટણી સભામાં આ લક્ષ્યાંક સામાન્ય ગણાય છે. કાળઝાળ ગરમી અને બપોરનો સમય ભાજપ સંગઠન માટે પડકારરૂપ બનશે.

તા.2જીએ જૂનાગઢ બાદ જામનગરમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવી ગઈકાલે જામનગરના મહેમાન બન્યાં બાદ આજે તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સભા સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ શહેર ભાજપ તથા જામનગરના અન્ય આગેવાનોને પણ તેઓ મળ્યાં હતાં. ચૂંટણી કાર્યાલયની મુલાકાત બાદ મોડી રાત્રે જામનગરની ગલીઓમાં પણ તેઓ ફર્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક