• બુધવાર, 22 મે, 2024

પન્નુની હત્યાના કાવતરામાં ‘રો’નો હાથ ?

-અમેરિકી અહેવાલ ભારતે નકાર્યો ‘વોશિંગ્ટન પોસ્ટ’નો દાવો : ભારતના વરિષ્ઠ અધિકારીઓએ યોજના ઘડી’તી

નવી દિલ્હી, તા. 30 : ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય તપાસ એજન્સી રોનો હાથ હોવાના અમેરિકી મીડિયા વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ભારતે નકારી કાઢ્યો છે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં દાવો કરાયો હતો કે, પન્નુની હત્યાનો કારસો રોના એક વરિષ્ઠ અધિકારી વિક્રમ યાદવે કર્યો હતો. પન્નુને મારવા માટે વિક્રમે એક મહત્ત્વની ટીમને કામ સોંપ્યું હતું. યાદવે પન્નુ અંગે ભારતીય એજન્ટ નિખિલ ગુપ્તાને માહિતી મોકલી હતી. પન્નુ ન્યુયોર્કમાં હોવાની જાણ થતાં નિખિલે તેને મારવા માટે એક એજન્ટનો સંપર્ક કર્યો હતો,  પણ પન્નુની હત્યાની યોજના સફળ થાય એ પહેલાં જ ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી હતી.

અમેરિકી મીડિયાના અહેવાલને લઈને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે,  એક ગંભીર બાબત અંગે ભારત પર ખોટા અને આધારહીન આરોપો લગાવવામાં આવી રહ્યા છે.ભારત સરકારે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ અમેરિકાની ચિંતાઓના આધારે સંગઠિત અપરાધીઓ અને આતંકીઓના નેટવર્કની તપાસ કરી રહી છે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં દાવો કરાયો છે કે, પન્નુની હત્યાની યોજનાને રોના તત્કાલીન વડા સમંત ગોયલે મંજૂર કરી હતી. આ બાબતથી માહિતગાર અમુક ભારતીય સુરક્ષા અધિકારીઓએ પણ અમેરિકી મીડિયા સમક્ષ એ વાતની પુષ્ટિ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક