• મંગળવાર, 21 મે, 2024

સૌરાષ્ટ્રના માર્ગો રક્તરંજિત: ત્રણ અકસ્માતમાં 6ના મૃત્યુ

સાયલા પાસે કાર અને બગસરા નજીક ખાનગી બસ પલટી ખાઈ જતા વૃદ્ધા-બાળકી સહિત ચારનાં મૃત્યુ

 

પુનાનો પરિવાર દ્વારકાથી પરત ફરતો’તો : બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

વઢવાણ/બગસરા, તા. ર9 : સુરેન્દ્રનગરના સાયલા પાસે મહારાષ્ટ્રના પુનાના પરિવારની કાર પલટી ખાઈ જતા બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા અને માતા-પુત્રીને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને બગસરા બાયપાસ પાસે ખાનગી બસ પલટી ખાઈ જતા વૃદ્ધા અને બાળકીના મૃત્યુ નીપજ્યા હતા અને 16થી વધુ વ્યક્તિઓને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, મહારાષ્ટ્રના પુનાના વતની સંજયભાઈ ગોવિંદભાઈ રુઢ તથા તેની પત્ની ઈશિતાબેન અને પુત્ર ધીરજ તેમજ નજીકના સગા ચક્રધારા રાજુભાઈ રાઠોડ સહિતના કાર લઈને કચ્છમાં લગ્નપ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી દ્વારકા ગયા હતા અને દ્વારકાથી પુના જવા કાર લઈને નીકળ્યા હતા.

દરમિયાન સાયલા પાસે પહોંચ્યા હતા ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી અને સંજયભાઈ રુઢ અને ચક્રધારા રાઠોડના મૃત્યુ નીપજ્યા હતા અને ઈશિતાબેન અને પુત્ર ધીરજને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને બન્નેના મૃતદેહો પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી હતી.

બગસરા : બગસરા બાયપાસ પાસે મચ્છુઆઈ મંદિર નજીક શ્યામ ટ્રાવેલ્સની ખાનગી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ જતા હાઇ-વે મરણ ચીચિયારીઓથી ગુંજી ઉઠયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી બારડિયા (ગીર) ગામના ગીતાબેન હસમુખભાઈ રુડાણી નામના વૃદ્ધા અને આરનાબેન હિરેનભાઈ રુડાણી (ઉં.7)ના મૃત્યુ નીપજ્યા હતા તેમજ 16થી વધુ વ્યક્તિઓને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં અમરેલીમાં રહેતો પરિવાર સગાસંબંધીઓ સાથે વિસાવદરના ઈશ્વરિયા ગામે કંકુ પગલા કરવા ગયા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત સ્થળ પાસેથી ચૂંટણી ફરજ પરના પોલીસ ઓબ્ઝર્વ અધિકારીઓ પસાર થતા હતા ત્યારે ઉભા રહી ગયા હતા અને તાકીદે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવા માટે મદદરુપ બન્યા હતા.

...........

 

નારણપર ગામ પાસે કાર અડફેટે બાઈકસવાર દંપતીનું મૃત્યુ

 

રોંગસાઈડમાં ધસી આવેલી  કારે અકસ્માત સર્જ્યે

જામનગર, તા.ર9 : જામનગર-સમાણા રોડ પર નારણપર ગામના દંપતીના બાઈકને કારે અડફેટે લેતા ફંગોળાયેલ દંપતીના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યા હતા. આ અંગે પોલીસે નાસી છૂટેલા કારચાલક સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, નારણપર ગામે રહેતા જયેશભાઈ જયંતીભાઈ ફલિયા અને તેની પત્ની કાજલબેન બાઈક લઈને નારણપર ગામ પાસેની ઓમશાંતી હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રોંગસાઈડમાં ધસી આવેલી કારે બાઈકને અડફેટે લેતા જયેશભાઈ અને કાજલબેન ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થવાથી દંપતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં સારવાર દરમિયાન જયેશભાઈ અને કાજલબેનના મૃત્યુ નીપજ્યા હતા. આ અંગે પોલીસે મૃતક જયેશભાઈના ભાઈ મનોજભાઈ ફલિયાની ફરિયાદ પરથી નાસી છૂટેલા કારચાલક સામે ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

 

લીંબડીનાં ઝાંખણ ગામ પાસે ખાનગી બસ પલટી ખાઈ જતા 40 વ્યક્તિને ઈજા

વઢવાણ, તા.ર9 : સુરેન્દ્રનગર હાઇ વે પર રોજબરોજ ગોઝારા અકસ્માત સર્જાતા હોવાના કિસ્સા પોલીસમાં નોંધાતા હોય છે ત્યારે લીંબડીનાં ઝાંખણ ગામના પાટીયા પાસે પોરબંદરથી એમપી જતી ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલ્ટી ખાઈ જતાં બાળકો - મહિલાઓ સહિત 40 વ્યક્તિને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, પોરબંદરથી એમપી જિલ્લામાં જવા માટે 60 જેટલા લોકો ખાનગી બસમાં બેસી જવા નીકળ્યા હતા. દરમિયાન લીંબડીનાં ઝાંખણ ગામ પાસે બસ પહોંચી હતી ત્યારે બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી અને હાઇ વે મરણ ચીચિયારીઓથી ગુંજી ઉઠયો હતો.

આ અકસ્માતમાં બાળકો-મહિલાઓ સહિત 40થી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અને આ બનાવ અંગેની જાણ થતાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી 10થી વધુ 108 ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને લીંબડી હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાંથી 1પ ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતનાં પગલે હાઇ વે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી અને પોલીસે ભારે જહેમતના અંતે ટ્રાફીક પુન: કાર્યરત કરાવ્યો હતો તેમજ ઈજાગ્રસ્તો માટે પોલીસે ભોજનની વ્યવસ્થા કરી હતી અને બાદમાં ખાનગી વાહન મારફત ઈજા પહોંચી ન હોય તેવા લોકોને વતન રવાના કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક