• મંગળવાર, 21 મે, 2024

એપ્રિલમાં ભીષણ ગરમીએ તોડયા રેકોર્ડ

મે મહિનામાં પણ રહેશે પ્રકોપ : હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી બે તબક્કાના મતદાનના ક્ષેત્રોમાં ગરમી વધુ પરેશાન કરી શકે છે

 

નવી દિલ્હી, તા. 29 : ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના વિભિન્ન હિસ્સામાં રવિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. 1921 બાદ એપ્રિલ મહિનામાં પહેલી વખત ખુબ ગરમી પડી છે. ધગધગતો તાપ અને લૂના કારણે એવી સ્થિતિ બની છે કે જાણે જૂન મહિનો ચાલી રહ્યો છે. કેરળ, ઉટી, માથેરાન અને બેંગલોરના અમુક હિસ્સામાં પૂરું વર્ષ વાતાવરણ સામાન્ય રહે છે ત્યાં પણ આ વખતે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. કેટલાય સ્થળોએ તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું છે. તેવામાં હવામાન વિભાગે હવે મે મહિના માટે આગાહી કરી દીધી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચૂંટણીના અગામી બે તબક્કાનું મતદાન જે વિસ્તારમાં છે ત્યાં ભીષણ ગરમી પડી શકે છે.

હવામાન વિભાગે 1921-2024 દરમિયાન એપ્રિલ મહિનામાં પડેલી ગરમીનો ડેટા જારી કર્યો છે. જેના મુજબ રવિવારે અત્યાધિક તાપમાન નોંધાયું હતું. આઈએમડીના માનવા પ્રમાણે  દેશના ઘણા હિસ્સામાં એપ્રિલ સૌથી ગરમ મહિનો રહી શકે છે. ભીષણ ગરમીએ ચૂંટણી ઉપર પણ અસર મૂકી છે. પહેલા બે તબક્કામાં મતદાન 60થી 62 ટકા આસપાસ રહ્યું છે. આગામી તબક્કાના મતદાન પહેલા હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી છે કે આગામી પાંચ દિવસ ગરમીમાં વધુ વધારો થશે.

સોમવારે આઈએમડીએ જાણકારી આપી હતી કે પૂર્વી અને દક્ષિણ ભારતમાં ભીષણ લૂની અસર જોવા મળી રહી છે અને આગામી પાંચ દિવસ સુધી તે જારી રહેશે. આ ઉપરાંત આગામી બે તબક્કામાં જે સ્થળે મતદાન થવાનું છે ત્યાં ગરમી વધુ રહેવાની સંભાવના છે.191 બેઠકમાંથી 186 બેઠક ઉપર ભીષણ ગરમીના આસાર છે. પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, ઝારખંડના અમુક હિસ્સામાં ગંભીર હિટવેવની આશંકા છે. આ ઉપરાંત રાયલસીમા, આંતરીક કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગણના અમુક હિસ્સામાં પણ લોકોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. આઈએમડી દ્વારા જારી આંકડા અનુસાર ગરમી એટલી હદે ભીષણ છે કે હીટવેવ ઈન્ડેક્સ 40થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી અનુભવાય રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક