• મંગળવાર, 23 જૂન, 2026

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથયાત્રાની 24મી શ્રેણીનો મુખ્યમંત્રીની હાજરીમાં પ્રારંભ

-વડાપ્રધાન મોદીએ શાળા શિક્ષણ મેળવેલી વડનગરની બી.એન.હાઈસ્કૂલથી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવેલા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની 24મી કડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા. 23 જૂન, મંગળવારથી 25 જૂન, ગુરુવાર સુધી યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતન વડનગરની જે શાળામાંથી શિક્ષણ મેળવેલું તે બી.એન. હાઈસ્કૂલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ 24માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે. વડનગરમાં આંગણવાડીમાં બે ભૂલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ-11 સુધીના 389 વિદ્યાર્થીનો શાળા પ્રવેશ મુખ્યમંત્રી કરાવવાના છે.

2003ના વર્ષથી શરૂ થયેલા શિક્ષણ સેવાયજ્ઞની અવિરત યાત્રાના આ 24માં વર્ષના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સમાં રાજ્યભરની 38400 શાળામાં કુલ મળીને 28 લાખ 58 હજાર જેટલા બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવશે. તદ્અનુસાર, જે બાળકોની ઉંમર 1 જૂનના રોજ પાંચ વર્ષથી વધુ અને 6 વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં અને જે બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષથી વધુ અને 7 વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-8 પાસ કરનારા બાળકોને ધોરણ-9માં અને ધોરણ-10 પાસ કરનારા બાળકોને ધોરણ-11માં પ્રવેશ અપાશે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ કક્ષાના અધિકારીઓ, સચિવાલયના અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી થઈને શાળાએ શાળાએ જઇ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયજ્ઞમાં જોડાશે.

ઇ-પેપરના નવા શુલ્ક