(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.23: ઊંઝા શહેરમાંથી વધુ એક વખત ભેળસેળયુક્ત વરિયાળીનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં
આવ્યું છે. ઊંઝામાં નકલી અને ઝેરી કલરવાળી વરિયાળી બનાવવામાં આવી રહી હોવાની પાકી બાતમી
મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી. આ બાતમીના આધારે ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમે
ઊંઝાના શિવગંગા એસ્ટેટમાં આવેલા વેપારી નીમકુમાર ગાવિંદભાઈ પટેલના ગોડાઉન પર આકસ્મિક
દરોડો પાડયો હતો. આ રેડ દરમિયાન તંત્રએ કેમિકલ અને કલરની ભેળસેળ કરતા તત્વોને રંગેહાથ
ઝડપી પાડયા હતા.
ગોડાઉનમાં
હલકી ગુણવત્તાની વરિયાળીના પાલામાં પ્રતિબંધિત લીલો કલર અને ચમકદાર કેમિકલ મિક્સ કરવામાં
આવી રહ્યું હતું. વરિયાળી વધુ પડતી ગ્રીન, તાજી અને આકર્ષક દેખાય તે માટે આ જોખમી પ્રક્રિયા
કરી તેને એક કિ.ગ્રા.ના આકર્ષક પાકિંગમાં પેક કરવામાં આવી રહી હતી. આ નકલી વરિયાળી
બજારમાં ગ્રાહકો સુધી વેચાણ અર્થે પહોંચે તે પહેલા જ ફૂડ વિભાગે તેને પકડી પાડી ગંભીર
સ્વાસ્થ્ય જોખમ ટાળ્યું હતું. ગોડાઉનમાંથી કુલ 4,766 કિલોગ્રામ વરિયાળીનો જથ્થો મળી
જપ્તા કરાયો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 8,57,880 હોવાનું જણાયું છે. ફૂડ એન્ડ
ડ્રગ્સ વિભાગ દ્વારા આ મુદ્દામાલ તાત્કાલિક ધોરણે સીઝ કરી દેવામાં આવ્યો છે.
-----