પ્રેમીએ મારીને ગોંડલ ચોકડીએ આવેલા ફ્લેટમાં લટકાવી દીધીનો પરિવારનો આક્ષેપ : પોલીસે ફોરેન્સિક પી.એમ. કરાવ્યું
જેતપુર,
તા.23 : રાજકોટમાં પુરુષ મિત્ર સાથે રહેતી જેતપુરની યુવતીનો રાજકોટમાં તેમના ફ્લેટમાંથી
ગળાફાંસો લગાવેલી હાલતમાં મૃતદેહ મળ્યો. મૃતકની બહેન સહિતના પરિવારજનો તેમની પુત્રીને
મારીને તેણીની લાશ લટકાવી દીધી હોવાનો આક્ષેપ કરતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં
આવ્યું હતું.
જેતપુરના
નવાગઢ ઈદગાહ વિસ્તારમાં રહેતી નંદની આનંદભાઈ બોસમિયા સોમવાર સાંજે 7.30 વાગ્યા આસપાસ
પોતાના રાજકોટ સ્થિત ફ્લેટના હોલમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી.
રાજકોટ
તાલુકા પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો. મૃતક નંદની
અંગે તેની બહેન રૂપલબેને જણાવેલું કે, મારી બેન નંદની જૂનાગઢ ખાતે એમઆર તરીકે નોકરી
કરતી અને ત્યાંજ પીજીમાં રહેતી ત્યારે જૂનાગઢના અસલમ હુસેન શમા નામના પરિણીત શખસે મારી
બેનને ભોળવી મૈત્રી કરાર કરી લીધા હતા અને તેની સાથે જૂનાગઢમાં રહેવા લાગતા અસલમની
પત્ની, માતા-પિતા સહિતનાઓએ જૂનાગઢમાં નંદની ઉપર છરીથી હુમલો કર્યો હતો. તે બાબતની ફરિયાદ
પણ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારબાદ બન્ને રાજકોટ ખાતે ગોંડલ રોડ કોઠારીયા
આગમન સિટી સી વિંગ 501 નંબરના ફ્લેટમાં રહેવા ચાલ્યા ગયા હતા અને ત્યાં થોડા દિવસથી
અસલમ ઝઘડો કરી નંદનીને મારકૂટ કરતો હતો. એટલે બે દિવસ પહેલા નજીકમાં સત્યનગરમાં રહેતા
તેમના માનેલા ભાઈ રવિભાઈના ઘરે જતી રહીં હતી પછી પરત પોતાના ફ્લેટમાં આવી ગઈ હતી. ગતરોજ
રૂપલે સાંજે નંદનીને ફોન કર્યો પણ ફોન રિસિવ ન કરતા રવિભાઈ જોષીને ફ્લેટે જોવા મોકલતા
નંદનીની ગળાફાંસો ખાધેલી લાશ મળી હોવાની જાણ થઈ હતી. અમે તપાસ કરતા ફ્લેટનો મુખ્ય દરવાજો
માત્ર અટકાવેલો હતો. પાછળ બાલ્કનીનો દરવાજો પણ ખુલ્લો હતો. જેથી નંદનીને અસલમ સહિતના
શખસોએ મારીને લટકાવી દીધી હોવાનો નંદનીની બહેન રૂપલ સહિતના પરિવારજનોએ આક્ષેપ કર્યો
હતો.
નંદનીનો
મૃતદેહ આજે જેતપુર તેનાં ઘરે લાવવામાં આવ્યો ત્યારે આખું ઘર કરુણ આક્રંદ સાથે દીકરીનો
ન્યાય આપવાની માગ કરતો હતો. નંદની ગત વર્ષે યોજાયેલી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં
વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી.