હત્યા બાદ પતિની ધરપકડ થતા એક
દીકરી નોધારી બની
ગોંડલ, તા.22:ગોંડલ માં બેવફા
પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મૃત્યુને ઘાટ ઉતાર્યાની ઘટનાની સાહી હજુ સુકાઈ નથી
ત્યાં વોરાકોટડા રોડ પર પત્નીના પર પુરુષ સાથેના આડાસબંધની જાણ પતિને થતાં ઉશ્કેરાયેલા
પતિએ ગળાટૂંપો દઇ પત્નીની હત્યા કર્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ અત્રેનાં વોરાકોટડા
રોડ હનુમાન ધાર પાસે આવેલી ધીરુભાઈની વાડીમાં ખેત મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશનાં
બડવાની જિલ્લાના શિલાતાઉ તાલુકા નાં ગુન્દલીબેન ભકનભાઇ ભારેલા (ઉં.28)ની ગત મોડીરાત
નાં તેનાં પતિ ભકનભાઇ એ ગળાટૂંપો આપી હત્યા કરી હતી.
ગુન્દલીબેનને જયલો નામનાં કોળી
યુવાન સાથે અનૈતિક સંબંધ હોય તેના પતી ભકનભાઇને તેની જાણ થતાં ઉશ્કેરાયેલા ભકનભાઇ એ
પત્નીને મૃત્યુ ને ઘાટ ઉતારી દીધી હતી.
ભકનભાઇ અને ગુન્દલીબેનનો લગ્નગાળો
પાંચ વર્ષ નો છે. સંતાનમાં બે વર્ષની દીકરી છે. અગાઉ ભકનભાઇ પરિવાર સાથે ગોંડલ રહેતાં
હતાં. ત્યારે પત્ની ગુન્દલીબેનને જયલા કોળી સાથે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો.
બાદમાં પતિ સાથે વતન મધ્યપ્રદેશ પરત ફર્યા હતાં અને આઠ દિવસ બાદ ફરી ગોંડલ વોરાકોટડા
રોડ પર ધીરુભાઈની વાડીએ કામે રહ્યા હોય ગુન્દલીબેન અને જયલા વચ્ચેનો સબંધ ફરી પુન:
સ્થાપિત થતા જયલો વાડીએ અવારનવાર મળવા આવતો હતો.
દરમિયાન પતિ ભકનભાઇ ને પત્નીના
આડાસબંધની ગંધ આવી ગઈ હતી. ગત રાતે જયલો ગુન્દલીબેન ને મળવા આવ્યો હોય ભકનભાઇ જોઈ જતા
જયલો નાશી છુટયો હતો. બાદમાં પતિ પત્ની વચ્ચે આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પત્નીની
બેવફાઈથી ઉકળી ઉઠેલા ભકનભાઇએ મગજ પરનો કાબૂ ગુમાવી ધોકા વડે ગુન્દલીબેનના પગ પર બેફામ
વાર કરતાં તે જમીન પર ફસડાઇ પડી હતી. બાદમાં ગળાટૂપો દઇ ભકનભાઇ એ પત્નીની હત્યા નિપજાવી
હતી. બનાવની જાણ થતા બી’ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જી.એસ.ગઢવી ઘટનાસ્થળે દોડી જઇ ભકનભાઇની
ધરપકડ કરી ગુન્દલીબેનનાં મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડયો હતો.
માતાના આડાસબંધને કારણે પિતાએ
તેની હત્યા કરી હોય અને પિતા પોલીસ હિરાસતમાં હોવાથી બે વર્ષની માસૂમ બાળકી નોંધારી
બની છે.