• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ફટાફટ ક્રિકેટના મહાકુંભ T-20 વિશ્વ કપનો આજથી પ્રારંભ : ભારત ખિતાબનું પ્રબળ દાવેદાર

એક મહિના સુધી 20 ટીમ વચ્ચે 55 મેચની રસપ્રદ ટક્કર થશે

ખરાખરીનો જંગ 21 ફેબ્રુઆરીથી સુપર-8 રાઉન્ડમાં જોવા મળશે

T-20 ઇતિહાસમાં પહેલીવાર 300નો આંકડો જોવા મળી શકે છે

મુંબઇ/કોલંબો, તા.6: ફટાફટ ક્રિકેટના મહાકુંભ આઇસીસી ટી-20 વિશ્વ કપ-2026નો શનિવારથી ભારત અને શ્રીલંકાની ધરતી ધમાકેદાર પ્રારંભ થશે. લગભગ એક મહિના સુધી આ દરમિયાન પપ મેચની ટક્કર થશે. જે દરમિયાન 20 ટીમનો આમનો-સામનો થશે. સૂર્યકુમાર યાદવના કપ્તાનપદ હેઠળની ભારતીય ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર છે. સતત નિડર ક્રિકેટ રમી હરીફ ટીમને હતપ્રભ કરી રહેલ ટીમ ઇન્ડિયા પાસે ઉપરાઉપરી બીજો ટી-20 વિશ્વ કપ જીતી ઇતિહાસ રચવાનો સોનેરી મોકો છે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં કોઇ ટીમ હજુ સુધી ખિતાબની રક્ષા કરી શક્યું નથી, પણ ટીમ ઇન્ડિયા કમાલ કરી શકે છે. ટી-20 વર્લ્ડ કપની અસલી ટક્કર 21 ફેબ્રુઆરીથી જોવા મળશે. ત્યારથી સુપર-8 રાઉન્ડ શરૂ થશે. ગ્રુપ સ્ટેજની સમાપ્તિ પછી 12 ટીમ બહાર થઇ જશે. જે ચાર ગ્રુપ છે તેમાંથી બે-બે ટીમ સુપર-8 રાઉન્ડમાં પહોંચશે અને તેમને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવશે. આ બે ગ્રુપની ટોચને બે-બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે અને તા. 8 માર્ચે ખિતાબી મુકાબલો થશે.

ટી-20 વિશ્વ કપના આરંભ અગાઉ જ બે મોટા વિવાદ થઇ ચૂકયા છે. ભારતમાં ખેલાડીઓની સુરક્ષા ખતરામાં હોવાનો હવાલો આપીને બાંગલાદેશ વર્લ્ડ કપનો બહિષ્કાર કરી ચૂક્યું છે. આથી બાંગલાદેશના સ્થાને સ્કોટલેન્ડને વર્લ્ડ કપની ટિકિટ મળી છે જ્યારે પાકિસ્તાને નાટકબાજી ચાલુ રાખીને ભારત સામેના 1પ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનાર ગ્રુપ સ્ટેજના મેચનો બોયકોટ કરવાનું જાહેર કર્યું છે. જો કે દુનિયાભરના ક્રિકેટ ચાહકોને આ પ્રકારના વિવાદની પરવાહ નથી. તેઓ એક મહિના સુધી રમાનાર ફટાફટ ક્રિકેટના મહાસંગ્રામનો રોમાંચ માણવા ઉત્સુક છે.

ક્રિકેટ પંડિતોનું માનવું છે કે આ વખતના ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર 300 રનનો ટોટલ જોવા મળી શકે છે અને તે પરાક્રમ ટીમ ઇન્ડિયા કરી શકે છે કારણ કે તેની પાસે આ ફોર્મેટના એક એકથી ચડિયાતા પાવર હિટિર્સ છે. ટીમ ઇન્ડિયા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દ. આફ્રિકા પણ ચેમ્પિયનશિપની રેસમાં છે. ન્યુઝીલેન્ડ ટીમ ફરી એકવાર આઇસીસી ટૂર્નામેન્ટમાં ડાર્ક હોર્સ તરીકે ઉતરશે. જયારે શ્રીલંકા ટીમને હોમ કન્ડીશનનો ફાયદો મળી શકે છે. પાકિસ્તાની ટીમ અસંતુલિત છે, પણ તે કયારે પણ ઉલટફેર કરવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન ટીમ જેવી જ તાસિર વેસ્ટ ઇન્ડિઝની છે. અફઘાનિસ્તાન અને આયરલેન્ડ ટીમની બધી ટોચની ટીમે ગ્રુપ સ્ટેજના મેચમાં સાવધ રહેવું પડશે.

આઇસીસી ટી-20 વર્લ્ડ કપની આ 10મી એડિશન છે. જેના પ્રારંભિક દિવસે એટલે કે 7 ફેબ્રુઆરી-શનિવારે 3 મેચ રમાશે. કોલંબોમાં શનિવારે સવારે 11-00 વાગ્યાથી પહેલા મેચમાં પાકિસ્તાન સામે નેધરલેન્ડ હશે. બીજો મેચ કોલકતાના ઇડન ગાર્ડન પર રમાશે અને તેમાં વેસ્ટ ઇન્ડિઝની ટકકર સ્કોટલેન્ડ સામે થશે. દિવસનો અંતિમ મેચ ભારતનો હશે. જેમાં તેની સામે બિન અનુભવી યૂએસએની ટીમ હશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ થકી ટીમ ઇન્ડિયા તેના વિશ્વ કપ અભિયાનનો પ્રારંભ કરશે. વિશ્વ કપના તમામ મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટસની વિવિધ ચેનલ અને જિયોહોટસ્ટાર પરથી જીવંત પ્રસારણ થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક