• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

પાક. રમે કે ન રમે, અમારી કોલંબોની ફ્લાઇટ બૂક ઃ સૂર્યકુમાર

-કેપ્ટન્સ મીટમાં ભારતીય કપ્તાનની સ્પષ્ટ વાત ઃ પાક. કપ્તાન સલમાન આગાની સફાઈ ઃ નિર્ણય ટીમનો નહીં સરકારનો

 

મુંબઈ, તા.પ ઃ ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ 7 ફેબ્રુઆરીથી થવાનો છે. એ પહેલા આજે મુંબઈ અને કોલંબોમાં કેપ્ટન્સ મીટ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના બહિષ્કારના નાટક પર મીડિયા સાથે વાત કરી હતી. સૂર્યકુમારે કહ્યું કે અમે પાકિસ્તાનને રમવા માટે ના નથી પાડી. તેમણે જ ઈન્કાર કર્યો છે. ભારતીય ટીમ રમવા તૈયાર છે. આઇસીસીએ જે શેડÎૂલ તૈયાર કર્યો છે એ અંતર્ગત અમે મેચ રમવા તૈયાર છીએ. અમારી કોલંબોની ટિકિટ બૂક છે. પહેલા અમે મુંબઈમાં અમેરિકા અને પછી દિલ્હીમાં કેનેડા ટીમ વિરુદ્ધ રમશું. આ બે મેચ પછી અમે દિલ્હીથી કોલંબો જશું. આઇસીસી દ્વારા આ કાર્યક્રમને કેપ્ટન્સ કાર્નિવલ નામ અપાયું છે. મુંબઈમાં 12 ટીમના અને કોલંબોમાં 8 ટીમના કેપ્ટન એકઠા થયા હતા.

આ કાર્યક્રમ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં અને કોલંબોમાં ક્રિકેટ ક્લબમાં યોજાયા હતા. જે દરમિયાન તમામ કપ્તાનોની મીડિયા સાથે વાતચીત થઈ છે. જે દરમિયાન ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ જણાવી દીધું હતું કે અમારી કોલંબોની ફલાઇટ બૂક છે અને અમે 1પમીએ મેદાનમાં ઉતરશું. પાકિસ્તાન ટીમને રમવું કે ન રમવું તે અમારા હાથની વાત નથી.

બીજી તરફ પાકિસ્તાની કપ્તાન સલમાન આગા જે કોલંબોના કાર્યક્રમમાં હાજર રહ્યો હતો તેણે ભારત સામેના મેચ બહિષ્કારના સવાલ પર જણાવ્યું કે આ નિર્ણય અમારો નહીં સરકારનો છે. જો સેમિ ફાઇનલ અને ફાઇનલમાં ભારતીય ટીમ સામે હશે તો અમે સરકારની સલાહ લેશું. પાક. કપ્તાન સલમાન આગાએ કહ્યું અમે બહાર શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન આપી રહ્યા નથી. અમારું ફોકસ વર્લ્ડ કપ પર છે. બાંગલાદેશ ટીમ ઘણી મજૂબત છે, તેના બહાર થવા પર ઘણો અફસોસ છે. એ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે કે બાંગલાદેશ ટીમ અહીં નથી.

કેપ્ટન્સ કાર્નિવલમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક, ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શ, અફઘાન સુકાની રાશિદ ખાન, ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવ, શ્રીલંકન કપ્તાન દાસૂન શનાકા સહિતનાએ એક્શન પોઝ આપ્યા હતા અને મીડિયા સાથે સંવાદ કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક