• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ઇસ્લામાબાદમાં મસ્જિદમાં આત્મઘાતી ધડાકો : 31નાં મૃત્યુ

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની સત્તાવાર મુલાકાત, જુમાની નમાઝ વખતે રાજધાની ધણધણી, 169 ઘાયલ

હોસ્પિટલોમાં કટોકટી જાહેર, ઈસ્લામાબાદમાં સુરક્ષા વધારાઈ

ઈસ્લામાબાદ તા.6 : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાઝ દરમિયાન એક શિયા મસ્જિદમાં થયેલા આત્મઘાતી ધડાકામાં 31 લોકો માર્યા ગયા અને 169 ઘાયલ થયા હતા. શહેરના શહજાદ ટાઉન વિસ્તારમાં તરલાઈ ઇમામબારામાં જુમાની નમાઝ દરમિયાન હુમલો કરાયો હતો. આ હુમલો એવા સમયે થયો જ્યારે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ બે દિવસની સત્તાવાર મુલાકાતે ઇસ્લામાબાદમાં છે. ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરી પોલીસના પ્રવક્તા તાકી જાવદે જણાવ્યું હતું કે વિસ્ફોટનું સ્વરૂપ નક્કી કરવું હજુ વહેલું છે. ફોરેન્સિક ટીમો તપાસ કરી રહી છે કે તે આત્મઘાતી હુમલો હતો કે પ્લાન્ટેડ બોમ્બ ? મીડિયા રિપોર્ટ્સ વિસ્ફોટને આત્મઘાતી હુમલો ગણાવાયો છે.

ઇસ્લામાબાદની મુખ્ય હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. પોલીક્લિનિક હોસ્પિટલ, પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને સીડીએ હોસ્પિટલને એલર્ટ પર રાખવામાં આવી છે. એક પછી એક ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. તપાસ એજન્સીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરી રહી છે અને વિસ્ફોટ કેવી રીતે અને કયા સંજોગોમાં થયો તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ વિસ્ફોટને પગલે ઈસ્લામાબાદમાં સુરક્ષા એજન્સીઓ ઉચ્ચ ચેતવણી પર છે. હજુ સુધી કોઈ સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી પરંતુ સુરક્ષા એજન્સીઓ તેને અત્યંત ગંભીર માની રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ઇસ્લામાબાદમાં સુરક્ષા કડક કરવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક