ગોંડલ, તા.6 : પ્રેમ લગ્ન કરનાર યુવતીને માતાની અંતિમ ક્રિયામાં આવવાની ના પાડતા આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મૃતક 18 વર્ષીય પાયલ ડામોરના 11 મહિના પહેલા જ લગ્ન થયા હતા. 25 દિવસ પહેલા જ દીકરીને જન્મ આપ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી
માહિતી મુજબ પાયલ સુરેશ ડામોર (ઉંમર વર્ષ 18 રહે. દડવા ગામ, તા.ગોંડલ)એ ગઈકાલે પોતાના
ઘરે લાકડાની આડીમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. તેના મૃતદેહને પીએમ માટે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સાસરિયાના
પરિવારજનોએ જણાવ્યા મુજબ, પાયલ મૂળ મધ્યપ્રદેશની વતની હતી. અહીં પરિવાર સાથે રહી ખેતમજૂરી
કરતી હતી અને વાડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. 11 મહિના પહેલા તેમણે વતનના યુવક
સુરેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી પાયલના માવતર પક્ષના પરિવારજનો નારાજ હતા. ત્યાર
બાદ લગ્ન પછી પાયલે 25 દિવસ પહેલા એક બાળકીને જન્મ આપ્યો હતો. પાંચેક દિવસ પહેલા પાયલના
માતા કાળીબેન નારાસિંગભાઈનું કેન્સરની બીમારીથી મૃત્યુ નીપજ્યું હતું.
જેથી
પાયલએ પોતાના પિતાને વાત કરી હતી કે, તે માતાની અંતિમ ક્રિયાઓ વિધિઓ માટે તેના ઘરે
આવવા માંગે છે. પરંતુ પિતાએ વતન એમપીમાં આવવાની પાયલને ચોખ્ખી ના પાડી દીધી હતી. જેથી
લાગી આવતાં પગલું ભર્યું હતું. જોકે પોલીસે પાયલના પિતા કે માવતર પક્ષના લોકોનું નિવેદન
લેવા તજવીજ કરી છે. જેથી આપઘાતનું સ્પષ્ટ કારણ સામે આવી શકે.