- અય્યરે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર જ સાધ્યું નિશાન ઃ શશિ થરુરને પણ આંટીમાં લીધા
નવી દિલ્હી,
તા. 16 ઃ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહે
છે. હવે તેઓએ પોતાની જ પાર્ટીને અસહજ કરી દીધી છે. એક તરફ મણિશંકરે કેરળમાં ફરીથી પિનરાઈ
વિજયન સીએમ બનવાની ભવિષ્યવાણી કરી હતી અને બીજી તરફ રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે રાહુલ ભુલી ગયા છે કે અય્યર કોંગ્રેસમાં છે. આજે કેસી વેણુગોપાલને
મોટી જવાબદારી મળી છે,
પવન ખેડા જેવા માણસને પક્ષ પ્રવક્તા બનાવાયો છે. પાર્ટી આવી
મોટી મુર્ખતા કેવી રીતે કરી શકે,
ખેડા તો
કઠપુતળી છે.
અય્યરે આગળ કહ્યું હતું કે તેઓ નેહરુ અને રાજીવવાદી છે, રાહુલવાદી
નહીં. કોંગ્રેસ ઉપર જ પ્રહાર કરતા મણિશંકર અય્યરે કહ્યું હતું કે એવા પક્ષને કોણ મત
આપશે જેમાં અંદરોઅંદર નેતાઓ લડી રહ્યા છે. એકબીજાનું ગળું કાપી રહ્યા છે. પવન ખેડા
કોંગ્રેસના પ્રવક્તા છે તેનાથી જ જાણી શકાય છે કે પક્ષની હાલત શું છે. ખેડા કઠપૂતળી
છે. ખેડા એ જ વાત કરશે જે જયરામ રમેશ કહે છે. તે કોઈ પ્રવક્તા નહીં પણ પોપટ છે. રિપોર્ટ
અનુસાર અય્યરે શશિ થરુરને પાકિસ્તાન વિરોધી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે થરુરને
વિદેશ મંત્રી બનવાની મહત્ત્વાકાંક્ષા છે જ્યારે જયરામ રમેશને પોતાની નોકરી બચાવવી છે.